‘મેરા ટિકિટ મેરા ઈમાન’ અભિયાન પશ્ચિમ રેલવેએ શા માટે હાથ ધર્યું?
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા લોકોને પકડવા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત મુંબઈ વિભાગના મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રોજે હજારો પ્રવાસીઓ વગર ટિકિટે અથવા ખોટી ટિકિટે પ્રવાસ કરી રહ્યા હોવાની બાબત સામે આવી હતી. ટિકિટ વિના ટ્રાવેલ કરનારા લોકોને રોકવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એક મહિનાનું અભિયાન હાથ ધર્યું છે. ખુદાબક્ષો રોકવા અને તેમની વચ્ચે ટિકિટ ખરીદવાને લઈને જાગરુકતા લાવવા માટે એક યુક્તિ વિચારી છે જેથી આ મુંબઈની લોકલમાં થતો ગેર પ્રકાર બંધ થશે એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
પશ્ચિમ રેલવે દ્વારા “મેરા ટિકિટ મેરા ઈમાન” આ કોમ્પિટિશન/ઝુંબેશ ગઈકાલથી ચાલુ કરવામાં આવ્યું હતું, જે પચીસ જાન્યુઆરી 2024 સુધી હાથ ધરવામાં આવવાની છે. આ અભિયાન/કોમ્પિટિશનમાં કોઈ પણ પ્રવાસી પોતાની ટિકિટ સાથે ભાગ લઈ શકે છે, જ્યારે તેનું ફોર્મ ભરવાનું રહેશે. કોઈ પણ ક્ષેત્રના પ્રવાસી ટિકિટ વિના અને ટિકિટ સાથે પ્રવાસ કરવા મુદ્દે વીડિયો/રીલ બનાવવા અથવા તેની લિંક પર અપલોડ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. નિયમો અને શરતો સાથે ગૂગલ ફોર્મ ક્યુઆર કોડ તમામ ટિકિટ કાઉન્ટર અને સોશિયલ મીડિયા પરના પ્લેટફોર્મ પર મળશે. આ ઉપરાંત, તમામ માપદંડની ચકાસણી કરવામાં આવ્યા પછી તેને પશ્ચિમ રેલવેના વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે, એમ પણ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
લોકલ ટ્રેનોમાં નિયમિત પણે ટિકિટ ચેકિંગ થતાં વગર ટિકિટે પ્રવાસ કરનાર પ્રવાસીઓ પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પણ હવે પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓ ખાસ કરીને ટિકિટ ખરીદીને પ્રવાસ કરે એ જાગરુકતા લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની બાબત પણ રેલવેએ મોટી આવક થઈ રહી છે. આણ છતાં અનેક એવા પ્રવાસીઓ છે જેઓ વગર ટિકિટે અથવા ખોટી ટિકિટે ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે, તેથી આ અભિયાન હાથ હાથ ધર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.