સંજ્ય રાઉતે હવે મમતા બેનરજી માટે શા માટે કહી મોટી વાત?

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં એક થઈને લડવાના હેતુથી બનાવવામાં આવેલા ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A Alliance)માં દિવસેને દિવસે તિરાડ વધી રહી છે. તાજેતરમાં તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના વડા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એકલા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે હવે મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના સાંસદ સંજય રાઉતે ટીએમસીના મમતા બેનરજીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું હતું કે મમતા બેનરજી I.N.D.I.A Allianceની આગામી બેઠકનું આયોજન કરી શકે છે.
લોકસભાની ચૂંટણી ભલે મમતા બેનરજીએ એકલા લડવાનો નિર્ણય લીધો હોય તેમ છતાં તેઓ I.N.D.I.A. ગઠબંધન સાથે જોડાયેલા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની સીટને લઈને ચાલી કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ચાલતા વિવાદને લઈને મમતા બેનરજીએ કહ્યું હતું કે તે કોંગ્રેસને એક પણ સીટ નહીં આપશે તેમ જ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મજબૂત બનાવવા માટે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે હાથ મેળવ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
ટીએમસીના વડા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં બે સીટ પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ કોંગ્રેસને આપ્યો હતો, પણ આ પ્રસ્તાવને કોંગ્રેસે ફગાવતા ટીએમસીએ એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. મમતા બેનરજીએ કહ્યું હતું કે માત્ર I.N.D.I.A. ગઠબંધનમાંથી માત્ર ટીએમસી જ ભાજપનો વિરોધ કરી રહી છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા 34 વર્ષ સુધી બંગાળના લોકોને હેરાન કરવામાં આવ્યા છે જેથી તેમને ક્યારેય માફ નહીં કરવામાં આવે, એવું પણ મમતાએ કહ્યું હતું.
I.N.D.I.A. ગઠબંધનની આગામી બેઠક બાબતે સૂત્રોએ જણાવ્યું હતું કે મમતા બેનરજી આગામી અઠવાડિયામાં એક મહત્ત્વ રાજકીય બેઠક માટે નવી દિલ્હી જઈ શકે છે. રાજ્યને બાકી રહેલા ભંડોળ ચૂકવવા અંગે કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા શુક્રવારે મમતા બેનરજી 48 કલાક સુધી અનશન પર બેસવાના છે અને ત્યાર બાદ તે દિલ્હીની બેઠકમાં સામેલ થાય એવી માહિતી સૂત્રોએ આપી હતી.