નવાબ મલિક કયા પવારની સાથે છેઃ સોશિયલ મીડિયાની પોસ્ટમાં જાણો જવાબ
મુંબઈઃ આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly Election)માં રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથ નવાબ મલિકને તેમના મતવિસ્તાર અણુશક્તિ નગરમાં આપશે? કે મલિક અપક્ષ તરીકે ચૂંટણી લડશે કે ચૂંટણીના મેદાનથી દૂર રહેશે? તેવા વિવિધ પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ નવાબ મલિકે હવે સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાની પોસ્ટમાં ઘડિયાળનું પ્રતીક દર્શાવતા તર્ક-વિતર્કો શરૂ થયા છે.
નવાબ મલિક, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય પ્રવાહના રાજકારણથી દૂર છે, તેમણે તેમના શુભેચ્છા પત્ર પર ઘડિયાળના પ્રતીકનો ઉપયોગ કર્યો છે, જે એનસીપીનું સત્તાવાર પક્ષ પ્રતીક છે. નવાબ મલિકની પોસ્ટને લઈ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. સોશિલ મીડિયા યૂઝર અવનવા તર્ક-વિતર્ક કરી રહ્યા છે.
એનસીપીમાં સામેલ થવા અંગે પણ અગાઉ અજિત પવારે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય તો નવાબ મલિકને કરવાનો છે. જોકે, નવાબ મલિક આ અગાઉ અજિત પવાર જૂથની બેઠકમાં પણ જોવા મળ્યા હતા, જેના અંગે ભાજપે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે 20મી ઓગસ્ટના અજિત પવારની જન સન્માન યાત્રા મુંબઈમાં નવાબ મલિકના વિધાનસભાના વિસ્તાર અણુ શક્તિનગરમાંથી પાસર થશે.
આ પણ વાંચો: નવાબ મલિક અજિત પવારની બેઠકમાં દેખાતા ચર્ચા જામીન પર છૂટેલા મલિક અજિત પવાર સાથે જોડાશે?
આગામી ચૂંટણીમાં તેઓ અજિત પવારના જૂથમાં જશે કે કેમ તેની ચર્ચાએ જોર પકડ્યું છે. નવાબ મલિકને સુપ્રીમ કોર્ટે રાહત આપી હોવાથી બોમ્બે હાઈ કોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી તેઓ બહાર જ રહેશે. સુપ્રીમ કોર્ટમાં જજ બેલા ત્રિવેદી સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી.
અંડરવર્લ્ડના લોકો સાથે વ્યવહાર બદલ જેલભેગા થયેલા નવાબ મલિકે એનસીપીમાં બળવા પછી ખુલ્લેઆમ ભૂમિકા લેવાનું ટાળ્યું હતું. પરંતુ તેઓ મુક્તિની આશાએ અજિત પવાર તરફ ઝૂક્યા હતા. અજિત પવારના કારણે મલિકના જામીનનો માર્ગ મોકળો થયો હોવાનું અને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીનની સામે ‘ઇડી’નો વિરોધ પાછળથી શમી ગયો હોવાનું ચર્ચાયું હતું. જામીન મળ્યા બાદ છ મહિના સુધી મલિક લાઈમલાઈટથી દૂર રહ્યા હતા.
ગયા ડિસેમ્બરમાં શિયાળુ સત્ર માટે નાગપુરમાં તેમણે દેખા દીધી હતી. મલિક ગૃહમાં સત્તાધારી મહાગઠબંધનની બેન્ચ પર બેઠા હતા. ભાજપને આ બાબત પસંદ આવી નહોતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનસીપી પ્રમુખ અજિત પવારને પત્ર મોકલ્યો હતો. તેમાં ફડણવીસે ખુલાસો કર્યો હતો કે નવાબ મલિક પર જે રીતે આરોપો છે તે જોતા તેમને મહાગઠબંધનમાં લેવા યોગ્ય રહેશે નહીં.