આમચી મુંબઈ

મુંબઈના ૨૨૭ વોર્ડમાંથી કયા વોર્ડ અનામત થશે?

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડના રિઝર્વેશન માટેની લોટરી ૧૧ નવેમ્બરે
૧૪થી ૨૦ નવેમ્બર, ૨૦૨૫ દરમ્યાન વાંધા અને સૂચનો રજૂ કરવાના રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી-૨૦૨૫ માટે વોર્ડના રિઝર્વેશનને લગતી લોટરીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ મુંબઈના ૨૨૭ વોર્ડના રિઝર્વેશનની લોટરી કાઢવામાં આવશે. ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ અનામતનો ડ્રાફ્ટ જાહેર થયા બાદ ૧૪થી ૨૦ નવેમ્બર, ૨૦૨૫ના સમયગાળામાં વાંધા અને સૂચનો રજૂ કરવાના રહેશે.

સુપ્રીમ કોર્ટે ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ પહેલા ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. તે મુજબ રાજ્યના ચૂંટણી પંચે મુંબઈ સહિત ૨૯ મહાનગરપલિકાની ચૂંટણીના વોર્ડના અનામતને લગતો કાર્યક્રમ જાહેર કર્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડના રિઝર્વેશનમાં અનુસૂચિત જાતિ (મહિલા), અનુસૂચિત જનજાતિ (મહિલા), ઓબીસી જનરલ, ઓબીસી (મહિલા) અને સર્વસાધારણ મહિલા માટેની આરક્ષણ માટેની લોટરી દ્વારા કરવામાં આવશે.

મંગળવાર, ૧૧ નવેમ્બર, ૨૦૨૫ના સવારના૧૧ વાગે લોટરીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ શુક્રવાર, ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ અનામતનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. તો શુક્રવારે, ૧૪ નવેમ્બરથી ગુરુવાર, ૨૦ નવેમ્બર, ૨૦૨૫ ના બપોરના ત્રણ વાગ્યા સુધી અનામતના ડ્રાફ્ટ પર વાંધા અને સૂચનો કરી શકાશે. દાખલ થયેલા વાંધા અને સૂચનો પર સુનાવણી થયા બાદ અંતિમ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવશે.

જનસંખ્યાની ટકાવારી અનુસાર ઉતરતા ક્રમમાં આરક્ષણ કાઢવામાં આવશે. ત્યારબાદ બાકીના સભ્યોમાંથી ૬૧ સભ્યોની લોટરી ઓબીસી શ્રેણી માટે કાઢવામાં આવશે. તેમાની મહિલા અને પુરુષના આરક્ષણ માટે ચિઠ્ઠી કાઢવામાં આવ્યા બાદ બાકીનામાંથી મહિલા માટે અનામત કાઢીને બાકીના તમામ વોર્ડ જનરલ કેટેગરીમાં આવશે.

લોટરી કાઢ્યા બાદ આરક્ષણના સંદર્ભમાં વાંધા અને સૂચનો મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડમાં આવેલી ચૂંટણી ઓફિસમાં દાખલ કરી શકાશે. અથવા મુંબઈ મહાનગરપાલિકાની વેબસાઈટની આ લિંક પર https://www.mcgm.gov.in/irj/portal/anonymous/qlBMCGE2025 કરી શકાશે

આ પણ વાંચો…Video: આજે મુંબઈમાં ચૂંટણી પંચ વિરુદ્ધ મોરચોઃ દક્ષિણ મુંબઈ જવાના હો તો જાણી લો

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button