Maharashtra માં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આપી જાણકારી

મુંબઇ: Maharastraમા વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો વ્યસ્ત છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્યમાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી શિંદેએ શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેના ચાંદીવલી મતવિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે બે મહિના પછી નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. તેથી તમારે દિલીપ લાંડેની સાથે મજબૂત રીતે ઊભા રહેવું પડશે. તેમને જંગી બહુમતીથી જીતવા માટે સમર્થન આપવું જોઈએ.
વિધાનસભાનો કાર્યકાળ 26 સપ્ટેમ્બર 2024 સુધી
સીએમ શિંદેએ વધુમાં જણાવ્યું કે, તેઓ શિવસેના અને મહાયુતિ ગઠબંધનની જીત માટે સખત મહેનત કરશે. આ પ્રથમવાર છે જ્યારે મહાયુતિ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા સીએમ એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીની સંભવિત તારીખ પર વાત કરી છે. આ અગાઉ NCP(SP)ના વડા શરદ પવારે કહ્યું હતું કે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 સપ્ટેમ્બર 2024 સુધી છે. પરંતુ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા નવેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં સમાપ્ત થઈ શકે છે.
વિકાસ યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તાજેતરમાં પાર્ટીના સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્ય સરકારની વિકાસ યોજનાઓને લોકો સુધી લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. જ્યારે અજિત પવારની આગેવાની હેઠળની NCP ચૂંટણી પહેલા લાડકી બહેન સહિતની અન્ય યોજનાઓ સાથે રાજ્યમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં વર્તમાન સરકારમાં ભાજપ, શિવસેના અને એનસીપી છે.
ભાજપ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે ?
સૂત્રોના જણાવ્યા અનુસાર 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ 150-160 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જ્યારે બાકીની 128 બેઠકો શિવસેના, NCP અને અન્ય પક્ષો માટે છોડવામાં આવશે. મહારાષ્ટ્રના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના માર્ગદર્શનમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ સમગ્ર મહારાષ્ટ્રમાં લગભગ એક લાખ બૂથ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.
મહાવિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણીની વ્યૂહરચના સ્પષ્ટ
જ્યારે બીજી તરફ, પવાર, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પક્ષના વડા નાના પટોલેએ મહા વિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણી અંગે તેમની વ્યૂહરચના સ્પષ્ટ કરી છે. તેમણે દાવો કર્યો છે કે સીટ વહેંચણીમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને વિધાનસભા ચૂંટણીમાં તેઓ મહાયુતિ સરકારને હરાવી દેશે.
Also Read –