બુલડોઝરની ઘરઘરાટી ડ્રગ્ઝના ખાતમા સાથે જ બંધ થશે રાજ્યમાંથી ડ્રગ્ઝનો આતંક ખતમ કરવાનો શિંદેનો નિર્ધાર
મુંબઈઃ પુણેમાં ડ્રગ્ઝનું સેવન કરનારા યુવાનોનો વીડિયો સામે આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફક્ત પુણે શહેર જ નહીં, થાણે અને મીરા-રોડ ભાયંદરમાં પણ ગેરકાયદે ચાલતા પબ, બાર, ડિસ્કો અને ડ્રગ્ઝના ગોરખધંધા થતા હોય તેવા અડ્ડાઓ પર બુલડોઝર ચલાવવા માટે ખુલ્લી છૂટ આપી દીધી છે અને આ આદેશ અપાયાના પહેલા જ દિવસે ગુરુવારે પાંચ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. જેને પગલે હવે ગેરકાયદે કામ કરનારાઓ યુપીમાં બુલડોઝર બાબા યોગી આદિત્યનાથથી ડરે છે તેમ મહારાષ્ટ્રમાં બુલડોઝર દાદા(મોટાભાઇ) એકનાથ શિંદેની કાર્યવાહીથી ડરી રહ્યા છે. જોકે, બુલડોઝરની કાર્યવાહી જ્યાં સુધી શહેરોમાંથી ડ્રગ્ઝનો આતંક ખતમ ન થાય ત્યાં સુધી ચાલું જ રહેશે, તેવો નિર્ધાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુલડોઝરની કાર્યવાહી અંગે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યાં પણ ડ્રગ્ઝ વેંચવામાં આવશે તો તેમને છોડવામાં આવશે નહીં. જ્યાં સુધી શહેરો ડ્રગ્ઝ મુક્ત નહીં થાય ત્યાં સુધી બુલડોઝરની કાર્યવાહી શરૂ રહેશે, એમ શિંદેએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્ઝના વેચાણ, ડ્રગ્ઝ રાખવામાં આવે છે તે ઠેકાણાઓ પર અને જ્યાં આ ડ્રગ્ઝ વેંચવામાં આવે છે તે હોટેલો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રગ્ઝના ગોરખધંધાથી યુવા પેઢીને બરબાદ કરવાનું કામ ચાલી રહ્યું છે. ફક્ત પુણે જ નહીં, પુણે, થાણે, નાશિક અને સંપૂર્ણ રાજ્યમાં જ્યાં પણ ડ્રગ્ઝ વેંચવામાં આવે છે તે લોકોને છોડવામાં નહીં આવે. ડ્રગ્ઝના મૂળીયા ઉખાડવાનું કામ પોલીસ પ્રશાસન જિલ્લાધિકારી, મહાપાલિકા કમિશનરો કરી રહ્યા છે. ડ્રગ્ઝના જે સપ્લાયર હશે અને તે કોઇ પણ મોટા લોકો હોય, તેમને છોડવામાં આવશે નહીં. યુવા પેઢીને અમે બરબાદ થવા દઇશું નહીં. જ્યાં સુધી સંપૂર્ણપણે શહેરો ડ્રગ્ઝમુક્ત ન થાય ત્યાં સુધી બુલડોઝર કાર્યવાહી ચાલુ રહેશે. જે કોઇપણ ડ્રગ્ઝ વેંચતા હશે તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવશે. એ જ રીતે જે ગુનેગાર હશે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.