
નવી મુંબઈઃ ઉરણમાં યશશ્રી શિંદે નામની 22 વર્ષીય યુવતીની હત્યામાં દાઉદ શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બન્ને વચ્ચે એક સમયે મૈત્રી હતી, પરંતુ ત્યારબાદ યુવતીએ તેની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો, જેનો રોષ લઈ તેણે યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી.
આ કેસમાં બન્ને યુવક-યુવતીના ધર્મ અલગ હોવાથી તેને લવ-જેહાદનો કેસ માનવામા આવે છે અને લઘુમતી કોમના યુવકો દ્વારા હિન્દુ યુવતીને ફસાવી તેનું ધર્માન્તરણ કે તેની હત્યા જેવા ઘાતકી કૃત્ય કરવાનો વિરોધ ચોમેરથી કરવામાં આવે છે. ઉરણ ખાતેના કિસ્સાને પણ લવજેહાદનો કિસ્સો હોવાનું કહી આરોપીને સખત સજાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરેએ આ વિશે નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું છે કે આ મામલે ધર્મ-જાતિવાદ કરવાનો ન હોય. અગાઉ મંદિરમાં પણ મહિલા સાથેની અત્યાચારની ઘટના ઘટી હતી. જે પુરુષો આવા કૃત્યો કરે છે તેમને ધર્મ હોતો નથી, આથી જાતિ-ધર્મ ન જોતા તમામને કઠોર સજા કરવી જોઈએ.
જોકે રાજ ઠાકરેનો મહાયુતિ તરફ ઝુકાવ જોતા તેમણે ગૃહ પ્રધાન અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો બચાવ કર્યો હતો કે સરકારે પોલીસને જવાબદારી આપી છે કે રાજ્યના લોકોનું રક્ષણ કરે. પોલીસ નથી કરતી ત્યારે ગૃહ પ્રધાને ધ્યાન આપવાનું રહે છે.
રાજ્યમાં મહાયુતિની સરકાર છે અને ભાજપનો હિન્દુત્વનો મુદ્દો રહ્યો છે ત્યારે આવી ઘટનાઓને રાજકીય રંગ લાગતો રહે છે.
Also Read –