MHADA કોંકણ બોર્ડની લોટરી ત્રીજી વખત મુલતવીઃ અરજદારો નિરાશ, કારણ શું?
આમચી મુંબઈ

MHADA કોંકણ બોર્ડની લોટરી ત્રીજી વખત મુલતવીઃ અરજદારો નિરાશ, કારણ શું?

મુંબઈઃ લોકો માટે પરવડે તેવા ભાવમાં ઘર ઉપલબ્ધ કરી આપવાની જવાબદારી જેની પાસે છે તે MHADAના કોંકણ બોર્ડની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થાય તેવા અહેવાલ સામે આવ્યા છે. બહુપ્રતિક્ષિત MHADA કોંકણ બોર્ડ લોટરી ત્રીજી વખત મુલતવી રાખવામાં આવી છે, જેના કારણે હજારો ઘર ઈચ્છુકો નિરાશા થયા છે.

નવમી ઓક્ટોબરે યોજાનારી આ લોટરી હવે અગિયારમી ઓક્ટોબરે યોજાશે. નવા ફેરફાર સાથે પાત્ર અરજદારોની ડ્રાફ્ટ યાદી, જે 30 સપ્ટેમ્બરે પ્રકાશિત થવાની હતી, તે આજે જાહેર કરવામાં આવશે.

આ લોટરીમાં વિવિધ આવાસ યોજનાઓ હેઠળ 77 પ્લોટ અને ૫,૨૮૫ ઘરનો સમાવેશ થાય છે. આમાં 20 ટકા વ્યાપક યોજનામાં 565 ઘર, સંકલિત યોજનામાં 3,002 ઘર, મ્હાડા યોજનામાં 1,677 ઘર અને અન્ય યોજનામાં 41 ઘરનો સમાવેશ થાય છે. 1.5 લાખથી વધુ અરજદારોએ નોંધણી અને ડિપોઝિટ પ્રક્રિયા પૂરી કરી છે અને તેમની પાત્રતાની પુષ્ટિ કરવા માટે ડ્રાફ્ટ યાદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

કોંકણ બોર્ડ ઓછા પ્રતિભાવ અને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં વિલંબ થવાથી જુલાઈથી અત્યાર સુધી બે વાર પ્રી-લોટરી પ્રક્રિયા મુલતવી કરી ચૂક્યું છે. અહેવાલ મુજબ, અગાઉ ડ્રાફ્ટ યાદી 22 સપ્ટેમ્બરે પ્રકાશિત થવાની હતી, પરંતુ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી. જ્યારે યાદી ફરીથી સમયસર પ્રકાશિત ન થઈ, ત્યારે બોર્ડે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે પ્રકાશન અને લોટરીની તારીખ બંને બદલી દેવામાં આવી છે.

અરજદારોનું કહેવું છે કે વિલંબથી તેમના પર ભારે અસર પડી રહી છે. ઘણા લોકોએ ડિપોઝિટ ફી ચૂકવવા માટે પૈસા ઉછીના લીધા છે અને તેમની અરજીઓ માટે ચિંતિત છે. “જુલાઈથી, અમારા ડિપોઝિટના પૈસા MHADA પાસે અટવાઈ ગયા છે. અમે અરજી કરવા માટે લોન લીધી હતી. દર વખતે લોટરી મુલતવી રાખવામાં આવે છે, ત્યારે અમને ટેંશન થાય છે,” એક અરજદારે નામ ન આપવાની શરતે જણાવ્યું.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંકણ બોર્ડને ૧.૫૮ લાખ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેના કારણે વારંવાર મુલતવી રાખવામાં આવી રહી છે. જયારે અરજદારોનું કહેવું છે કે મુંબઈ બોર્ડે ઘણીવાર વિલંબ વિના ૨.૫ લાખથી વધુ અરજીઓનો નિકાલ કર્યો છે અને તેઓ પ્રશ્ન કરી રહ્યા છે કે કોંકણ બોર્ડ આ કાર્ય પૂર્ણ કરવામાં કેમ નિષ્ફ્ળ જઈ રહ્યું છે?

વારંવાર તારીખો બદલવાથી બોર્ડની કામગીરી સામે અસંતોષ અને ટીકા થઈ રહી છે. પરવડે તેવા આવાસની આશા રાખતા હજારો પરિવારો માટે, અનિશ્ચિતતા હતાશા અને નિરાશા પેદા કરી રહી છે.

આ પણ વાંચો…Good News: MHADA આ વર્ષે 35,000 ઘરનું કરશે નિર્માણ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button