મુંબઈ-ગોવા હાઇવે પર અચાનક ગાય આવી ગઈ પછી શું થયું, જુઓ વિઝ્યુઅલ્સ?

મુંબઈ/રત્નાગિરીઃ દેશના હાઇ-વે પર પૂર ઝડપે કે દારૂના નશામાં અથવા રોંગ સાઈડમાં ગાડી ચલાવવાના કારણે અનેક અકસ્માતો થાય છે. તે સાથે એક મોટી સમસ્યા છે રખડતા ઢોરની. તેના કારણે હાઇ-વે પર અનેક પ્રાણીઓના મોત થાય છે અને આવી ઘટનામાં વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે. મુંબઈ-ગોવા હાઇવે પર રત્નાગિરી જિલ્લાના રાજાપુર તાલુકામાં આવી જ એક મોટી દુર્ઘટના ઘટી હતી. એક ગાય અચાનક હાઈવે પર આવી જવાથી તેને બચાવવા જતા કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ વાહનને ભારે નુકસાન થયું હતું.
વાયરલ ડેશ-કેમ વીડિયો મુજબ લાલ રંગની મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા હાઇ-વે પર જઈ રહી હતી ત્યારે અચાનક એક ગાય રસ્તો ઓળંગી રહી હતી. ગાયને બચાવવા માટે ડ્રાઇવરે અચાનક ગાડી વાળતા કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને સ્લીપ થઇ ગઈ. ગાડી રસ્તાની બીજી બાજુ પલટી ખાઈ ગઈ અને પછી અટકી ગઈ હતી.
ઘટનામાં વાહનનો આગળનો ભાગ અને એક બાજુના ભાગને ખૂબ નુકસાન થયું હતું અને તેનું એક ટાયર પણ ફાટી ગયું હતું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ડ્રાઇવર અને મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, અને તેમનો જીવ બચી ગયો હતો.
વ્યસ્ત મુંબઈ-ગોવા હાઇવે પર આ પ્રકારની આ પહેલી ઘટના નથી. વાહનચાલકો મહિનાઓથી રખડતા ઢોર રસ્તાઓ પર આવી જતા વાહનો માટે જોખમી પરિસ્થિતિઓ ઉભી થતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
સ્થાનિકોના કહેવા મુજબ, વારંવાર ફરિયાદો કરવા છતાં અધિકારીઓએ પ્રાણીઓને હાઇવેથી દૂર રાખવા માટે કોઈ કડક પગલાં લીધા નથી. અકસ્માત પછી ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. નજીકના લોકોએ ક્ષતિગ્રસ્ત કારને ખસેડવામાં અને નજીકના પ્રાણીઓને શાંત કરવામાં મદદ કરી હતી.
રહેવાસીઓ અને વાહનચાલકો આવી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે તેવો પ્રશ્ન પૂછી રહ્યા છે. તેઓ સ્થાનિક અધિકારીઓ અને પશુ નિયંત્રણ વિભાગોને રખડતા ઢોરને હાઇવે પર પ્રવેશતા અટકાવવા અને તમામ મુસાફરો માટે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે.
આપણ વાંચો: Mumbai Metro 3 : સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ કોપાયમાન…