અજિત પવારના પુત્રને આપી ‘વાય પ્લસ’ સિક્યોરિટી, રોહિત પવારે શું કહ્યું?

પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના બારામતી લોકસભા મતદારસંઘના ઉમેદવાર સુનેત્રા પવારના જ્યેષ્ઠ પુત્ર પાર્થ પવારને ‘વાય પ્લસ’ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું, પરંતુ એને ભાઈ રોહિત પવારે વખોડી નાખ્યું હતું.
વાય પ્લસ સિક્યોરિટીમાં બે કમાન્ડોની સાથે 11 પોલીસના જવાનની ટીમનો સમાવેશ થાય છે, જ્યારે પાર્થ પવાર પોતાની માતા સાથે પ્રચાર કરવા અર્થે દૂર અંતરિયાળના વિસ્તારોમાં જતો હોય છે, જ્યારે તે આક્રમક નેતા હોવાથી સુરક્ષાને કારણે ચિંતા થતી હોય છે, તેથી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
2019ની લોકસભા ચૂંટણીમાં મવાળ લોકસભા બેઠક પર પાર્થનો અભંગ શિવસેનાના સાંસદ સભ્ય શ્રીરંગ બર્ને સામે પરાજય થયો હતો. આ વખતે પાર્થ માતુશ્રી સુનેત્રા પવાર માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે.
પોલીસ કમિશનર અમીતેશ કુમારે જણાવ્યું હતું કે સુરક્ષા કવચ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. એનસીપીના સ્થાનિક કાર્યકરે આપેલી માહિતી અનુસાર સલામતીના કારણોસર પાર્થને ‘વાય પ્લસ’ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.
પાર્થ પવારને આપેલી સુરક્ષાની ટીકા કરતા રોહિત પવારે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ રાજકીય નેતાઓ, વિધાનસભ્ય અને અભિનેતાઓને સુરક્ષા આપવાની પ્રાથમિકતા આપી રહ્યા છે, જ્યારે અસામાજિક તત્વો દ્વારા આમ આદમીની સુરક્ષા સંબંધમાં આંખ આડા કાન કરી રહ્યા છે. પાર્થને સુરક્ષા માટે બે ટેન્ક પણ આપવી જોઈએ, એમ રોહિત પવારે જણાવ્યું હતું.