દેવેન્દ્ર ફડણવીસે કેમ કહ્યું કે ભારતના Gen-Z નેપાળ જેવું નહીં કરે

મુંબઈઃ નેપાળમાં યુવાનોએ જેમને જનરેશન ઝેડ પણ કહેવામાં આવે છે, આંધાધૂધી ફેલાવી સરકાર પાડી દીધી હતી. આ ઘટનાની નોંધ આખી દુનિયાએ લીધી અને યુવાપેઢી દેશના રાજકારણ અને વ્યવસ્થાઓમાં કેવો ભાગ ભજવે છે, તે દુનિયા સમજી ગઈ. નેપાળના સરકારના ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધોએ યુવાનોને એટલા નારાજ કર્યા કે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા અને બે ત્રણ દિવસમાં આંદોલને હિંસક સ્વરૂપ લીધું.
ભારતમાં પણ યુવાનોની સંખ્યા મોટા પ્રમાણમાં છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ભારતની જેન-ઝી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ભારતમાં નેપાળ જેવું થશે નહીં કારણ કે ભારતના યુવાન પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે સમય નથી, કારણ કે તે સ્ટાર્ટ અપ્સ, એઆઈ અને આઈટી જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. ભારત અને નેપાળની સ્થિતિ એકદમ અલગ છે. ભારતનો યુવાન એન્જિનિયર બને છે અને તે તમને સિલિકોન વેલીમાં પણ દેખાશે, ભારતની જનરેશન ઝેડ અલગ છે, તે નેપાળ જેવા વિચારો કરી કામ કરતા નથી, તેમ ફડણવીસે જણાવ્યું હતું.
રાહુલ ગાંધીને પણ માર્યો ટોણો
દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં વાત કરતા રાહુલ ગાંધીને પણ ટોણો માર્યો હતો. ગાંધીએ નેપાળની જેમ ભારતના યુવકોને વોટ ચોરી જેવા મામલે આંદોલન કરવાનું આહ્વાન આપ્યું હતું. આ મામલે ફડણવીસે જણાવ્યું કે રાહુલ ગાંધી દરેક પ્રયત્નો કરી હતાશ થઈ ગયા છે, તેમનું કંઈ ઉપજતું નથી. આથી તેમણે Gen-Z ને હાંકલ કરીછે, પરંતુ યુવાનો માટે રાહુલ ગાંધી કેટલા મહત્વના છે, તે વિશે તો બોલવાની જરૂર નથી.
આ સાથે તેમણે રાહુલ ગાંધીને એમ પણ કહ્યું કે જેમને નેપાળ આટલું ગમતું હોય તેમણે નેપાળમાં જઈને રહેવું જોઈએ.
આપણ વાંચો: મલબાર હિલ જળાશયના સમારકામ પહેલા બે વૈકલ્પિક પાણીની ટાંકી બનાવવામાં આવશે:સુધરાઈ