પોલીસ કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યા પછી દેવેન ભારતીએ શું કહ્યું, ત્રૂટીઓ દૂર થશે
મુંબઈના 26/11ના આતંકવાદી હુમલા સહિત અનેક હાઇ-પ્રોફાઇલ કેસનો રહ્યા છે ભાગ

મુંબઈ: ‘હું તમામ મુંબઈગરાને અસરકારક પોલીસ સેવા આપવાના પ્રયાસ કરીશ. અમે છેવાડાના નાગરિકને સેવા અને સલામતી પૂરી પાડવાના પ્રયાસ કરીશું. પોલીસ સેવા અને રક્ષણોમાં જે પણ ત્રૂટિઓ હશે તેને ટેક્નોલોજીની મદદથી દૂર અમે કરીશું, એમ મુંબઈના નવા પોલીસ કમિશનર દેવેન ભારતીએ આજે જણાવ્યું હતું. 1994 બૅચના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઓફિસર દેવેન ભારતીએ આજે સાંજે પોલીસ કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો હતો.
35 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયેલા વિવેક ફણસલકર પાસેથી પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ લીધા બાદ ભારતીએ પોલિસિંગ, ગુના નિવારણ અને ડિટેક્શનના સંદર્ભમાં છેલ્લા નાગરિક સુધી પહોંચવાનું વચન આપ્યું હતું. ભારતી મુંબઈમાં સ્પેશ્યલ પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા, જે હોદ્દો 2023માં મહાયુતિ સરકારે ભારતી માટે ખાસ રચ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગે ભારતીની નિમણૂક અંગેનો આદેશ જારી કર્યો હતો. જોકે આ માટે પોલીસ કમિશનરના હોદ્દાની રૅન્ક ડીજીથી ડાઉનગ્રેડ કરી એડીજીપી (એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) કરાઇ હતી.
આ પણ વાંચો: દેવેન ભારતીઃ મુંબઈને મળ્યા નવા પોલીસ કમિશનર
મુંબઈ પોલીસ કમિશનરનું પ્રતિષ્ઠિત પદ પરંપરાગત રીતે એડીજીપી રેન્કનું રહ્યું છે, પણ હાલમાં થયેલી કેટલીક પોસ્ટિંગમાં તેને ડીજી રેન્કમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. ભારતીએ આ અગાઉ પોલીસ દળમાં જોઇન્ટ પોલીસ કમિશનર (કાયદો-વ્યવસ્થા), એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) અને ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) તરીકે સેવા આપી હતી.
ત્રણ દાયકાની લાંબી કારકિર્દીમાં ભારતીએ મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)નું પણ નેતૃત્વ કર્યું છે. એ સિવાય રાજ્ય પોલીસ મુખ્યાલયમાં તેમણે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો-વ્યવસ્થા) તરીકે પણ સેવા આપી છે.
આ પણ વાંચો: દિશા સાલિયાન મૃત્યુ કેસ સ્પેશિયલ પોલીસ કમિશનર દેવેન ભારતી કરશે તપાસ
મુંબઈ પોલીસની જવાબદારી આપવામાં આવી તે પહેલા દેવેન ભારતી કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર હતા. તેઓ મુંબઈના 26/11ના આતંકવાદી હુમલા, 2011માં જર્નલિસ્ટ જે. ડેની હત્યા સહિત અનેક હાઇ-પ્રોફાઇલ કેસનો ભાગ રહ્યા છે. મુંબઈના આતંકવાદી હુમલામાં 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા.