અભિનેતા અનિલ કપૂરથી કેમ પરેશાન થઈ ગયા છે સીએમ ફડણવીસ?

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તાજેતરમાં ફેડરેશન ઑફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના એક કાર્યક્રમમાં ગયા અને ત્યાં તેમણે બોલીવૂડના એવરગ્રીન સ્ટાર અનિલ કપૂર સામે ફરિયાદ કરી નાખી. ફડણવીસે સ્વીકાર્યું કે તેઓ અનિલ કપૂરથી ઘણા પરેશાન છે. હવે ભઈ મુખ્ય પ્રધાન પરેશાન થાય તેવું અનિલે તો શું કર્યું હશે. તો જવાબ તમને આપીએ.
દેવેન્દ્ર ફડણવીસ FICCIના કાર્યક્રમમાં ગયા ત્યારે અહીં અભિનેતા અક્ષય કુમારે તેમનો ઈન્ટરવ્યુ લીધો. ઈન્ટરવ્યુ દરમિયાન દેવેન્દ્રને જ્યારે પૂછવામાં આવ્યું કે એવી કઈ ફિલ્મો છે જેનાથી તમે ઈમ્પ્રેસ થયા છો અથવા તમારા જીવનમાં ફેરફાર આવ્યો છે ત્યારે મુખ્ય પ્રધાને અનિલ કપૂરની ફિલ્મ નાયકનો ઉલ્લેખ કર્યો હતો.
એક જ દિવસ માટે મુખ્ય પ્રધાન બનેલા અનિલ કપૂરે જે જે કામો કર્યા હતા તેનાથી હું પ્રભાવિત થયો હતો, પરંતુ આ ફિલ્મ મારી માટે પરેશાનીનું કારણ પણ બની ગઈ હતી, તેમ પણ દેવેન્દ્રએ જણાવ્યું હતું. આનું કારણ આપતા દેવેન્દ્રએ કહ્યું કે હું જ્યારે પહેલીવાર મુખ્ય પ્રધાન બન્યો અને ત્યારે જ્યાં જતો ત્યાં લોકો કહેતા કે નાયકના અનિલ કપૂર જેમ એક જ દિવસમાં બધા કામ કરી નાખો.
રાજકારણના હીરો મોદી
અક્ષય કુમારે એમ પણ પૂછ્યું કે તમે જો એક દિવસ માટે ડિરેક્ટર બનો અને મહારાષ્ટ્ર નામની એક ફિલ્મનો એક સિન શૂટ કરવાનું કહેવામાં આવે તો તે ક્યો હોય, તેમ પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું હતું કે જો ફિલ્મ મહારાષ્ટ્ર પર હોય તો પહેલો સિન છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનો જ હોવો જોઈએ. ફડણવીસે રાજકારણના હીરો કોણ તેવા સવાલના જવાબમાં વડા પધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું.
આ પણ વાંચો…ઝવેરી બજાર વિસ્તારનો કાયાપલટ કરવા સરકાર સહયોગ કરશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…