નો-ટ્રેનઃ પશ્ચિમ રેલવેમાં ‘આ’ કારણોસર લોકલ ટ્રેનસેવા પર અસર, પ્રવાસીઓ પરેશાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અણધાર્યા મેઘરાજાનું આગમન થવાથી ગરમીમાંથી મુક્તિ મળી છે, પરંતુ જનજીવન પર અસર થઈ રહી છે. સતત બીજા દિવસ દરમિયાન ધૂળની ડમરી સાથે પવન મુંબઈગરાને ગરમીમાંથી મુક્તિ મળી હતી, પરંતુ પશ્ચિમ રેલવેમાં અલગ અલગ બનાવને કારણે ટ્રેનસેવા પર અસર થઈ હતી.
પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ અને મરીન લાઈન્સ વચ્ચે રેલવે ટ્રેક પર વૃક્ષની ડાળી પડવાને કારણે ટ્રેનસેવા પર અસર થઈ છે. એક જગ્યાએ લોકલ ટ્રેન પર વૃક્ષની ડાળી પડવાની સાથે ઓવરહેડ વાયરમાં કપડું ભરાઈ જવાને કારણે ટ્રેન ખોટકાઈ હતી. આજે સાંજના 4.25 વાગ્યાની આસપાસ આ બનાવો બન્યા હતા. સ્લો લાઈનમાં ટ્રેનસેવા ઠપ થવાને કારણે શોર્ટ ડિસ્ટન્સમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ માટે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું મુશ્કેલ બન્યું હતું.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેમાં લાંબા અંતરનો પ્રવાસ કરવાના છો? તો ટ્રેનોના સમયમાં થયેલા ફેરફારની જાણકારી મેળવી લો
આ મુદ્દે દહીસરના રહેવાસીએ કહ્યું હતું કે વિધિવત રીતે હજુ વરસાદનું આગમન થયું નથી એ પહેલા ટ્રેનસેવા પર અસર થવાની બાબત આશ્ચર્યજનક છે. બાકી ચોમાસાના ચાર મહિના શું થશે એ તો ભગવાન જાણે. સમગ્ર સિસ્ટમ લડખડાઈ રહી છે, પરંતુ પ્રશાસનનું પેટનું પાણી હાલતું નથી. મીરા રોડના રહેવાસી મહેશ ત્રિવેદીએ કહ્યું હતું કે મુંબઈમાં વંટોળ છે, પરંતુ માંડ એક ઈંચ વરસાદ ખાબક્યો નથી ત્યાં ટ્રેનો ખોટકાવવાનું ચાલુ થઈ ગયું છે. સવારથી સાંજ સુધીમાં લોકલ ટ્રેનો દિવસભર અડધોથી પોણો કલાક મોડી દોડતી રહી હોવાથી નિર્ધારિત સમયે કામના સ્થળે પહોંચવામાં અનેક કર્મચારીઓને દોડાદોડી કરવી મૂકી હતી.
દરમિયાન આ મુદ્દે પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે ચર્ચગેટ-મરીન લાઈન્સ વચ્ચે ડાઉન લાઈનમાં વૃક્ષની ડાળી પડવાને કારણે ટ્રેનસેવા પર અસર થઈ હતી. ફાસ્ટ લાઈનના કોરિડોરમાં ટ્રેન ચાલુ છે, પરંતુ સ્લો લાઈનની સર્વિસ ઠપ છે. સવા પાંચ વાગ્યાના સુમારે અપ સ્લો લાઈન શરુ કરવામાં આવી હતી, જ્યારે બાકીના કોરિડોરનું કામકાજ પૂરજોશે ચાલી રહ્યું છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેમાં AC Local બની ‘કમાઉ’ દીકરો, જાણો રેલવેએ કેટલી કરી કમાણી?
અહીં એ જણાવવાનું કે મંગળવારે રાતના પણ દહીસર ખાતે ઓવરહેડ વાયરમાં કપડું ભરાઈ જવાને કારણે ટ્રેનોને રોકી દેવાની નોબત આવી હતી. પીક અવર્સમાં અનેક ટ્રેનો એક પછી એક બોરીવલીથી દહીસર વચ્ચે બન્ચિંગ થવાને કારણે ગીચ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓને હાલાકી પડી હતી.