વેસ્ટર્ન રેલવે પર માટીની કુલડીમાં ચા, પેપર કપને જાકારો | મુંબઈ સમાચાર

વેસ્ટર્ન રેલવે પર માટીની કુલડીમાં ચા, પેપર કપને જાકારો

મુંબઈ: પ્લાસ્ટિક અને કાગળના કચરાને હટાવવા માટે ભારતીય રેલવેએ પશ્ચિમ રેલવે નેટવર્કના 12 સ્ટેશન પર હિન્દીમાં કુલ્હડ તરીકે ઓળખાતી પર્યાવરણને અનુકૂળ અને વાપરીને ફેંકી નાશ કરી શકાય એવી માટીની કુલડીમાં ચા આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય જનહિતમાં હોવા છતાં અને ફૂડ સ્ટોલ માલિક રોષે ભરાયા છે.

રેલવે બોર્ડે તાજેતરમાં નવી સૂચનાઓ જારી કરીને વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય અને મેઈન લાઈન રૂટ પરના 12 સ્ટેશન પર પેપર કપને બદલે કુલ્હડમાં ચા અને છાશ આપવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સ્ટેશનોમાં બીલીમોરા, વલસાડ, વાપી, નવસારી, સુરત અને નંદુરબારની સાથે દાદર, બાંદ્રા, અંધેરી, મુંબઈ સેન્ટ્રલ, પાલઘર અને દહાણુ રોડ જેવા મહત્વના સ્ટેશનોનો સમાવેશ થાય છે.

પશ્ચિમ રેલવેના એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે ‘પ્લેટફોર્મ અને રેલવેના અન્ય સ્થળ પરના ખાદ્ય વાનગી અને જ્યુસના સ્ટોલ્સને ફેરફાર વિશે જાણ કરવામાં આવી છે.’ નવા ધારાધોરણ મુજબ કુલડીમાં 170 મીલીલીટર ચા અને 220 મિલીલીટર છાશ પીરસવી આવશ્યક છે. અગાઉ 2004માં તત્કાલીન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે અને 2019માં તત્કાલીન રેલવે પ્રધાન પિયુષ ગોયલે કુલડીનો ઉપયોગ શરૂ કરાવ્યો હતો.

જોકે, સ્ટોલના માલિકોને આ વાત ગળે નથી ઉતરી. વેસ્ટર્ન રેલવે કેટરર્સ એસોસિયેશનના એક સભ્યએ જણાવ્યું હતું કે ‘આ બદલાવ પ્રેક્ટિકલ નથી. આમ પણ અમે નજીવા નફો મેળવીએ છીએ. કુલદીની કિંમત ₹4થી ₹8 ની વચ્ચે હોય છે, જ્યારે પેપર કપનો ભાવ માત્ર 50 પૈસાથી ₹1 હોય છે. છ રૂપિયાની કિંમતના કપમાં પાંચ કે છ રૂપિયામાં ચા કઈ રીતે આપી શકાય? વળી કુલડીઓ સહેલાઈથી નથી મળતી. મુંબઈમાં ધારાવીના કુંભારો પાસેથી મેળવવામાં આવે છે, પણ એ પુરવઠો નિયમિત નથી હોતો અને કદ તેમજ ગુણવત્તાના આધારે ખર્ચમાં વધારો થઈ શકે છે. સુપર માર્કેટમાં જોવા મળતા પોલિશ્ડ પોર્સેલિન સંસ્કરણો વધુ મોંઘા છે. સ્વચ્છતા પણ ચિંતાનો વિષય છે. કાગળના કપ સરળતાથી કચડી અને નિકાલ કરી શકાય છે જ્યારે સ્ટેશનની આસપાસ પડેલી – તૂટેલી કુલડી મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકે છે.’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button