Good News: આવતીકાલથી પશ્ચિમ રેલવેમાં 13 એસી લોકલ ટ્રેનની સર્વિસ વધશે…

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં એસી (એર કન્ડિશન્ડ) લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. એસી લોકલ ટ્રેનની વધતી લોકપ્રિયાતને કારણે પશ્ચિમ રેલવેમાં આવતીકાલથી વધુ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ
એસી લોકલ ટ્રેનોની લોકપ્રિયતા અને પ્રવાસીઓ દ્વારા ટ્રેનની ફેરી વધારવાની માગણીને ધ્યાનમાં રાખીને આવતીકાલથી મુંબઈ ઉપનગરીય વિભાગ પર એસી લોકલ સેવાઓની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આવતીકાલથી વધુ ૧૩ નવી એસી લોકલની સર્વિસમાં વધારો થવાથી પશ્ચિમ રેલવેના સેક્શનમાં કુલ સંખ્યા (અઠવાડિયાના દિવસોમાં) ૯૬થી વધીને ૧૦૯ અને શનિવાર અને રવિવારે બાવનથી વધીને ૬૫ થશે.
એસી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, તેથી એસી લોકલના પ્રવાસીઓના લાભ અને વધતી ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે પર હાલની ૧૨ નોન-એસી સેવાને બદલીને વધુ ૧૩ એસી સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ સેવાઓ અઠવાડિયાના તમામ દિવસોમાં એસી સેવા તરીકે દોડાવાશે. જોકે, નવી ફેરીની કુલ સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે રોજની ૧૦૯ એસી લોકલ ટ્રેનની ફેરી સાથે લોકલ ટ્રેનની કુલ ફેરીની સંખ્યા ૧૪૦૬ છે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.
આવતીકાલથી શરૂ કરવામાં આવી રહેલી નવી એસી લોકલ ટ્રેનમાંથી પ્રથમ, ચર્ચગેટથી ૧૨:૩૪ કલાકે દોડશે અને ત્યારબાદ તમામ નવી એસી લોકલ ટ્રેનોનું નિયમિત સંચાલન થશે.
નવી શરૂ કરવામાં આવી રહેલી વધુ ૧૩ ફેરીમાં ૬ સર્વિસ અપ અને ૭ ડાઉન દિશામાં દોડાવવામાં આવશે. અપ દિશામાં વિરાર-ચર્ચગેટ, ભાયંદર-ચર્ચગેટ વચ્ચે બે-બે ફેરી અને વિરાર-બાંદ્રા અને ભાયંદર-અંધેરી વચ્ચે એક-એક ફેરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : નાગપુરમાં પિકનિક જતી બસ ઊંધી વળીઃ વિદ્યાર્થીનું મોત…
આ ઉપરાંત, ડાઉન દિશામાં ચર્ચગેટ-વિરાર વચ્ચે બે ફેરીનો સમાવેશ થાય છે, જેમાં ચર્ચગેટ-ભાયંદર, અંધેરી-વિરાર, બાંદ્રા-ભાયંદર, મહાલક્ષ્મી-બોરીવલી અને બોરીવલી-ભાયંદર વચ્ચે એક-એક ટ્રેનની સર્વિસ દોડાવવામાં આવશે.