કાઉન્ટરની ભીડ ઘટાડવા પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ: હેન્ડ મશીનથી વેઇટિંગ એરિયામાં જ મળશે ટિકિટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કાઉન્ટરની ભીડ ઘટાડવા પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ: હેન્ડ મશીનથી વેઇટિંગ એરિયામાં જ મળશે ટિકિટ

બસના કન્ડક્ટરની જેમ બુકિંગ સ્ટાફ પ્રવાસીઓ પાસે જઈને આપશે ટિકિટ, મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ સહિત પાંચ સ્ટેશનો પર સુવિધા શરૂ

મુંબઈઃ તહેવારોમાં મુંબઈ જ નહીં, પરંતુ પાટનગર દિલ્હી સહિત તમામ શહેરોમાંથી પોતાના વતન જવા માટે નાગરિકો દોટ મૂકી રહ્યા છે ત્યારે સસ્તા પરિવહનને કારણે રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની હકડેઠઠ ભીડ જોવા મળે છે, પરંતુ રિઝર્વેશનની ટિકિટ મેળવવામાં પ્રવાસીઓને નાકે દમ આવી રહ્યો છે, ક્યારેક પ્રવાસીઓ જનરલ કોચમાં ટ્રાવેલ કરતા હોય છે, પરંતુ કાઉન્ટર પરનું ભારણ ઘટાડવાના ભાગરુપે રેલવેએ હવે નવો નુસખો અજમાવ્યો છે, જ્યાં બસના કન્ડક્ટરના માફક સ્ટેશન પરના બુકિંગ અધિકારી પ્રવાસીઓ પાસે જઈને હેન્ડ મશીન મારફત ટિકિટ આપશે.

મળતી માહિતી અનુસાર બુકિંગ અધિકારી વેઈટિંગ એરિયામાં જઈને ટિકિટ આપશે. આ મશીનમાં કેશ એન્ડ ઓનલાઈન બંને ટિકિટ આપવાની સુવિધા ઉપલબ્ધ હશે. હાલના તબક્કે મુંબઈમાં મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, સુરત અને ઉધના સ્ટેશન પર શરુ કરવામાં આવી છે. બાંદ્રા ટર્મિનસ પર નવ બુકિંગ સ્ટાફને આ કામકાજ માટે તાલીમ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પશ્ચિમ રેલવે દ્વારા તહેવારો માટે રૂટ માટે વિશેષ ટ્રેનની ૧૦ ટ્રિપ દોડાવાશે…

હાલના તબક્કે બાંદ્રા ટર્મિનસ ખાતે ટેમ્પરરી વેઈટિંગ એરિયા પણ બનાવ્યો છે, જ્યાં પ્રવાસીઓ માટેની બેઝિક ફેસિલિટીઝ લાઈટ, પંખા અને પાણીની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. ઉપરાંત, પ્રવાસીઓની દર વર્ષે વધતી ભીડને જોતા કાયમી સેટઅપ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી જરુરિયાત વખતે ઉપયોગ કરી શકાય. નવા વેઈટિંગ એરિયા પણ એકાદ દિવસમાં શરુ કરવામાં આવશે, જ્યાં પ્રવાસીઓ માટે બેઝિક સુવિધા પૂરી પાડવામાં આવશે.

અધિકારીએ કહ્યું હતું કે દિવાળી અને છઠના તહેવાર નિમિત્તે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં સૌથી વધુ અનારક્ષિત ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દોડાવવામાં આવી રહી છે, જેથી સૌથી વધુ સુરક્ષા કર્મચારીઓને તહેનાત પણ કરવામાં આવી છે. રુટિન અધિકારીઓ સિવાય પીક સિઝનમાં 30 આરપીએફ, 35 જીઆરપી (સરકારી રેલવે પોલીસ) અને 15 હોમગાર્ડને તહેનાત કરવામાં આવે છે. ટ્રેન આવ્યા પહેલા અને પછી બુકિંગ સ્ટાફ અને સુરક્ષા કર્મચારી પણ તમામ લોકોને ચેક કરીને અંદર મોકલવામાં આવે એની પણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેથી ભાગદોડ થાય નહીં.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button