પશ્ચિમ રેલવેના રેલવે સ્ટેશન પર જોવા મળશે હવે ડિજિટલ ડિસ્પ્લે, કોને થશે ફાયદો…

મુંબઈઃ પશ્ચિમ રેલવેએ મુંબઈના ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની સુવિધા માટે તેની માળખાકીય સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે અન્વયે ડિજિટલ ડિસપ્લે બનાવ્યા છે. આ પહેલ અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ લેવામાં આવી છે.
પશ્ચિમ રેલવેમાં મરીન લાઇન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, જોગેશ્વરી અને મલાડ સ્ટેશનો પર નવા અત્યાધુનિક સાઇનેજ લગાવવામાં આવ્યા છે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.
નવી ડિઝાઇન અને અદ્યતન મેટ્રિક્સ ગ્રીડ ડિસ્પ્લે સાથે આ સાઇનેજ જોવામાં સ્પષ્ટ અને વાંચવામાં સરળ છે, જે દૈનિક મુસાફરો માટે વધુ સુવિધાજનક છે. આ નવા સાઇનેજની એક મુખ્ય વિશેષતા સ્ક્રોલિંગ માહિતી લાઇન છે, જે એવા સ્ટેશનોના નામ દર્શાવે છે જ્યાં ટ્રેન રોકાશે.
આ સાઈનેજ પ્રવાસીઓને ટ્રેનના વાસ્તવિક સમય અને સમજવામાં સરળ મુસાફરી સંબંધિત માહિતી પૂરી પાડે છે. આ ચિહ્નો વિવિધ ભાષાઓમાં પણ છે, જેથી વિવિધ પ્રદેશોમાંથી આવતા મુસાફરોને સુવિધા રહે છે.
અહીં એ જણાવવાનું કે આ સાઇનેજ આધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. જે ઇથરનેટ-આધારિત નેટવર્ક સાથે જોડાયેલા છે, જે દૂરથી દેખરેખ, ઝડપી મુશ્કેલી નિવારણ અને અનુકૂલન શક્ય બનાવે છે.