બાંદ્રામાં સ્ટેમ્પેડઃ પ્લેટફોર્મની ટિકિટ વેચવાનું બંધ કર્યા પછી પશ્ચિમ રેલવેએ લીધો આ નિર્ણય…

મુંબઈ: બાન્દ્રા ટર્મિનસ પર પ્રવાસીઓની નાસભાગની ઘટના થયા બાદ હવે પશ્ચિમ રેલવે દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનોના ટર્મિનસ પર હંગામી ધોરણે પ્લેટફોર્મ ટિકિટ વેચવાનું બંધ કર્યા પછી હવે પ્રવાસીઓને મર્યાદિત લગેજ સાથે ટ્રાવેલ કરવાનો અનુરોધ કર્યો છે. ટ્રેનમાં સંબંધિત ક્લાસમાં સામાન (લગેજ) લઇ જવાની જેટલી પરવાનગી હોય તેના કરતા વધુ સામાન હશે તો દંડ ભરવો પડશે. આ સિવાય રેલવે તરફથી સ્ટેશનો પર ભીડ ન કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : કાશ! આપણા રીલ મિનિસ્ટર રેલવે પર પણ ધ્યાન આપતા હોત… Bandra Stampede પર આદિત્ય ઠાકરેની પ્રતિક્રિયા
પ્રવાસીદીઠ મર્યાદિત લગેજ નિ:શુલ્ક જવાની પરવાનગી હોય છે, પરંતુ સ્કૂટર, બાઇક અથવા ૧૦૦ સેમી. ૧૦૦ સેમી ૭૦ સેમીના ક્ન્સાઇન્મેન્ટની નિ:શુલ્ક લગેજમાં ગણતરી કરવામાં આવતી નથી, એમ પશ્ચિમ રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
રેલવે દ્વારા આ પગલું સ્ટેશનો પર ભીડ ઓછી કરવા તથા પ્રવાસીઓની અસુવિધા ટાળવા માટે લેવામાં આવ્યો છે. રેલવેએ પ્રવાસીઓને મર્યાદિત લગેજ જઇ જવાની પરવાનગીનું પાલન કરવા માટે અપીલ કરી હતી.
‘ટ્રેનના દરેક ક્લાસ પ્રમાણે લગેજ લઇ જવાની મર્યાદા પણ અલગ અલગ છે. જો સામાન મર્યાદા કરતા વધુ હશે તો તેની માટે દંડ લેવામાં આવશે. આ અંગેનો નિર્ણય તાત્તાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવ્યો છે અને આઠમી નવેમ્બર સુધી અમલમાં રહેશે, એમ નિવેદનમાં જણાવાયું હતું.
આ પણ વાંચો : એલર્ટઃ બાંદ્રા, ઉધના પછી પાટનગર દિલ્હીમાં રેલવે પ્રશાસન બન્યું સતર્ક, વિશેષ વ્યવસ્થા કરી
તહેવારોમાં પાર્સલ બૂકિંગમાં ખાસ્સો વધારો થતો હોય છે, ખાસ કરીને બાન્દ્રા ટર્મિનસ, વાપી, વલસાડ, ઉધના અને સૂરતના પાર્સલ ઓફિસમાં. ટ્રેનમાં પાર્સલ લોડિંગ વખતે પ્રવાસીઓને ઘણો ત્રાસ થતો હોય છે. તેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેન ઉપડવાના પહેલા સ્ટેશનો પર પાર્સલો લાંબા સમય સુધી પડ્યા ન રહે તેની તકેદારી રાખવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્ય અને પશ્ચિમ રેલવેએ પહેલાથી મહત્ત્વના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કર્યું હતું.