12 કલાકનો બ્લોક પ્રવાસીઓના વગાડશે 12, જાણી લો ક્યારે હશે નાઈટ બ્લોક?
મુંબઈ: લોકલ ટ્રેનોની રફતાર પર અઠવાડિયાના અંતમાં બ્રેક મૂકાઈ શકે છે, જેમાં 12 કલાકનો બ્લોક નિર્ધારિત કર્યો હોવાથી ટ્રેનો રદ્દ કરવાની સાથે મોડી દોડી શકે છે. પશ્ચિમ રેલવેમાં આવતીકાલે રાતથી રવિવારના સવાર સુધી ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.
પશ્ચિમ રેલવે દ્વારા ૧૬મી નવેમ્બર શનિવાર અને ૧૭મી નવેમ્બર રવિવારની રાત્રે જોગેશ્વરી અને ગોરેગાંવ વચ્ચે એક બ્રિજના કામને કારણે ૧૨ કલાકનો બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લોક શનિવારે રાતના ૧૧.૩૦ કલાકથી રવિવારે સવારે ૧૧.૩૦ કલાક સુધી રહેશે. બ્લોક દરમિયાન અપ અને ડાઉન સ્લો લાઇન તથા હાર્બર લાઇનની સેવાઓ પ્રભાવિત થશે, એમ પશ્ચિમ રેલવે દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
પશ્ચિમ રેલવેમાં અપ અને ડાઉન સ્લો લાઇનની લોકલ ટ્રેન અંધેરી અને ગોરેગાંવ/બોરીવલી સ્ટેશન વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડશે તથા રામ મંદિર પર આ ટ્રેનો ઊભી રહેશે નહીં.
Also Read – Assembly Election: ચૂંટણીના દિવસે મધરાત સુધી દોડાવાશે મેટ્રો અને બેસ્ટની બસ
મધ્ય રેલવેની હાર્બર લાઇનની તમામ ટ્રેનો તથા ચર્ચગેટ અને ગોરેગાંવ/બોરીવલીની સ્લો લાઇનની ટ્રેનો અંધેરી પર ટર્મિનેટ કરવામાં આવશે. બ્લોક દરમિયાન લાંબા અંતરની ટ્રેનો દસથી વીસ મિનિટ મોડી દોડશે, એમ નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.