હવે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળશે ‘આ’ સુવિધાનો લાભ, જાણી લેશો તો ફાયદામાં રહેશો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેના નોન-સબર્બન સેક્શનના પ્રવાસીઓને ટિકિટ વિન્ડો લાંબી લાઈન લગાવવી પડે નહીં તેના માટે મહત્ત્વની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓને નોન-સબર્બન સેક્શનમાં લગભગ 200 કિલોમીટરથી વધુના પ્રવાસ માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીના દિવસ સિવાય) અનરિઝર્વ્ડ ટિકિટ બુક (યુટીએસ) કરવાની સુવિધા પૂરી પાડી રહી છે.
આ સુવિધા અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS)ના તમામ કાઉન્ટર પર પણ ઉપલબ્ધ રહેશે, જેનાથી પ્રવાસીઓ વધુ ઝડપથી ટ્રેનનું બુકિંગ કરી શકશે. આ પહેલનો ઉદ્દેશ્ય ટિકિટ કાઉન્ટર પર ખાસ કરીને હોળી, દિવાળી, ઉનાળા/શિયાળાના વેકેશન, ક્રિસમસ અને અન્ય રજાઓ જેવી પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ભીડ અને લાઈનો ઘટાડવાનો છે. પ્રવાસીઓ હવે ખાસ કરીને યુટીએસ બુકિંગ વિન્ડો પર છેલ્લી ઘડીની ભીડથી બચવા માટે આ એડવાન્સ બુકિંગ સુવિધાનો લાભ ઊઠાવે, એમ અધિકારીએ અપીલ કરી હતી.
આ પણ વાંચો: 3 વર્ષમાં વસઇ ખાડી પર નવો બ્રિજ બનશે,પશ્ચિમ રેલવેએ નવા રેલ કોરિડોર પર કામ શરૂ કર્યુ
અમુક પ્રવાસીઓ હજુ પણ આ જોગવાઈથી અજાણ છે અને પશ્ચિમ રેલવે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સુવિધા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે ફાયદાકારક છે, કારણ કે તે તેમને તેમની મુસાફરીનું આયોજન કરી શકે છે અને ટિકિટ પણ અગાઉથી બુક કરી શકે છે.
આનાથી પ્રવાસીઓને પીક ટ્રાવેલ સીઝન દરમિયાન રાહત મળશે. મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન અગાઉથી કરવા અને સરળ, તણાવમુક્ત અને આરામદાયક મુસાફરી અનુભવ માટે આ સુવિધાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.