3 વર્ષમાં વસઇ ખાડી પર નવો બ્રિજ બનશે,પશ્ચિમ રેલવેએ નવા રેલ કોરિડોર પર કામ શરૂ કર્યુ

મુંબઇઃ પશ્ચિમ રેલવેમાં દહાણુ સુધી લોકલ ટ્રેન દોડાવવામાં આવી રહી હોવાથી લોકોને ઘણો ફાયદો થયો છે અને આ વિસ્તારના ઝડપી વિકાસ પણ થવા લાગ્યો છે. મહાનગર મુંબઇની લાઇફ લાઇન રેલવે હંમેશા લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં બોરિવલીથી વિરાર વચ્ચે અપ અને ડાઉન લાઇન પર કુલ મળીને ચાર ટ્રેક જ છે. સવારના પીક અવર્સમાં દૂરના અંતરોની ટ્રેન પણ આવતી હોય છે અને લોકલ ટ્રેનનું સમય પત્રક ખોરવાઇ જતું હોય છે. આ સમસ્યા હલ કરવા પ. રેલવેએ બોરિવલીથી વિરાર વચ્ચે પાંચમા અને છઠ્ઠા ટ્રેકનું કામ શરૂ કર્યું છે. આ માટે ભાયંદર અને નાયગાંવ વચ્ચે ખાડી પર પુલ બાંધવા માટે એક કોન્ટ્રાક્ટરની નિમણૂક પણ કરવામાં આવી છે. આ પુલ ભાયંદર અને નાયગાંવ સ્ટેશન વચ્ચે બનાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કામ 36 મહિનાની અંદર પૂરું થવાની અપેક્ષા છે.
બોરીવલી અને વિરાર વચ્ચેની 26 kmની પાંચમી અને છઠ્ઠી લાઈનનું નિર્માણ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC)દ્વારા કરવામાં આવી રહ્યું છે. હવે ભાયંદર અને નાયગાંવ સ્ટેશન વચ્ચેની ખાડી પર બાંધવામાં આવનારા બે મહત્વપૂર્ણ બ્રિજ માટે કોન્ટ્રાક્ટરને નિમણૂક કરવામાં આવી હોવાથી આ પ્રોજેક્ટ હવે ઝડપી બનશે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે બાકીના તમામ બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
Read This…સીએમ ફડણવીસની રાજ ઠાકરે સાથેની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા
મેન ગ્રોવ્સનું વાવેતર પૂર્ણ થયા બાદ જ આ પ્રોજેક્ટ માટે મેન ગ્રોવ્ઝ કાપવામાં આવશે તેવી શરતે આ પ્રોજેક્ટનું કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ વાવેતર વન વિભાગના મેનગ્રોવ્સ સેલ દ્વારા કરવામાં આવશે. ડિસેમ્બર 2024થી આ વાવેતરનું કામ ચાલી રહ્યું છે જે આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થશે.