આમચી મુંબઈ

મહેનત વિના પાતળા દેખાવાનું આ તે કેવું ગાંડપણ? દેશમાં ત્રણ મહિનામાં રૂ.50 કરોડ રૂપિયાના ઈન્જેક્શન વેચાયા

મુંબઈ: થોડા દિવસો પહેલા એક્ટ્રેસ-સિંગર શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અચાનક નિધન થયું. શેફાલી એન્ટિ-એજિંગ દવાઓ લેતી હોવાનું બહાર આવ્યું. યુવાન દેખાવા જેટલી જ ઘેલછા આજકાલ પાતળા કે સ્લીમસ્ટ્રીમ દેખાવાની છે. સુંદરતાની વ્યખ્યા જ પાતળા શરીરથી શરૂ થતી હોય તેમ યુવાનો સહિતનો મોટો વર્ગ માને છે. શરીર સુડોળ અને સમતોલ રહે તે આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ તે માટે યોગ્ય જીવનશૈલી, કસરત અને કુદરતી રસ્તાઓ અપનાવવા જોઈએ, પરંતુ આમ ન કરતા આજકાલ માત્ર એક મિડિસન લઈને કે એકાદ ઈન્જેક્શન લઈને અમુક દિવસોમાં પાતળા થઈ જવાનો ટ્રેન્ડ વધ્યો છે. આ વાત એક અહેવાલ પરથી પણ સાબિત થઈ છે. એક અંદાજ મુજબ ભારતમાં માત્ર ત્રણ મહિનામાં રૂ. 50 કરોડના વેઈટ લૉસ ઈન્જેક્શન ખરીદાયા છે. ઈન્સ્ટંટના જમાનામાં શરીર પણ ઈન્સ્ટંટ રિઝલ્ટ્સ આપે તેમ જો તમે ઈચ્છી રહ્યો હોવ તો ચેતી જજો, કારણ કે એક તો ખોટી રહેણીકહેણી અને ખાણીપીણીથી આપણું શરીર બીમાર થઈ ગયું છે, તેમાં આ પ્રકારના પ્રયોગો વધારે ખતરારૂપ પણ સાબિત થઈ શકે છે. વાંચો આ અહેવાલ.

ભારતમાં મેદસ્વિતા ઝડપ મહામારી બની રહી છે!

ઝડપથી બદલાઈ રહેલી લાઈફ સ્ટાઈલ સાથે ભારતમાં મેદસ્વિતા (Obesity) અને ડાયાબિટીસ(Diabetes) ના કેસ પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. એક અહેવાલ મુજબ, સૌથી વધુ સ્થૂળ લોકોના મામલે હાલ ભારત વિશ્વના ત્રીજા ક્રમે છે અને આ હાલના દરે જ સ્થૂળતા વધતી રહી તો વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 44 કરોડ લોકો સ્થૂળ હશે, મતલબ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરવતા દેશ ભારતની ત્રીજા ભાગની વસ્તી મેદસ્વી હશે, જે ગંભીર ચિંતાનો વિષય છે.

વડાપ્રધાન મોદી તેમના પોડકાસ્ટ મનકી બાતમાં આ સમસ્યા અંગે ચિંતા વ્યકત કરી ચુક્યા છે, તેમને મેદસ્વિતા સામે અભિયાન ચલાવવાની પણ હાકલ કરી છે. એવામાં ભારતીય બજારમાં મેદસ્વિતા ઘટાડવાની દવાનું મોટા પાયે વેચાણ થઇ રહ્યું છે.

મેદસ્વિતાને કારણે થતા ગંભીર રોગો:

શરીરમાં વધુ પડતી ચરબી જમા થઇ જવાની સમસ્યાને મેદસ્વીતા કે સ્થૂળતા કહેવામાં આવે છે, જેને કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર થઇ શકે છે. 30 થી વધુ બોડી માસ ઇન્ડેક્સ (BMI) ધરાવતા વ્યક્તિને મેદસ્વી ગણવામાં આવે છે. મેદાવિસ્તા ટાઈપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્ટ્રોક, મેટાબોલિક સિન્ડ્રોમ, ફેટી લીવર રોગો, કેટલાક કેન્સર અને શ્વાસ લેવામાં તકલીફ જેવી અનેક સમસ્યાનું કારણ બની શકે છે.

મેદસ્વિતા ઘાતાડતી દવાનું મોટાપાયે વેચાણ:

મેદસ્વિતાની કારણે થતી સમસ્યાઓથી બચવા અને વજન ઘડવા માટે તબીબી દરરોજ કસરત કરવા અને સંયમપૂર્વક યોગ્ય આહાર લેવા સલાહ આપે છે. પરંતુ લોકો સહેલો રસ્તો અપનાવી રહ્યા છે, કસરત વગર વજન ઘટાડવાનો દાવો કરતી દવાનો હાલ મોટા પાયે ઉપાડ થઇ રહ્યો છે. હાલ ભારતીય બજારમાં આવી બે દવાઓ ઉપલબ્ધ છે. આ દવા ઇન્જેક્શન મારફતે શરીરમાં દાખલ કરવામાં આવે છે.

ભારતમાં ઉપલબ્ધ દવા:

ભારતીય બજારમાં વજન ઘટાડવા માટે એલી લિલી એન્ડ કંપનીની મૌન્જારો (Mounjaro) અને નોવો નોર્ડિસ્ક કંપનીની વેગોવી (Wegovy) નામની દવાઓ છે. ગત માર્ચ મહિનામાં ભરતામાં મૌન્જારોનું વેચાણ શરુ થયું હતું , જ્યારે વેગોવી જૂનના છેલ્લા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવી હતી. જોકે આ દવાઓ મુખ્ય હેતુ મેદસ્વિતા ઘટાડવાનો નથી, આ દવાઓ ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવા માટે વપરાય છે, જો કે આ દવાઓ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

આપણ વાંચો:  ગુરુ દેવો ભવઃ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેટલા વાગે કરશો પૂજાવિધિ, જાણો

અહેવાલ મુજબ મૌન્જારો અને વેગોવી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને પાચન ધીમું કરવામાં મદદ કરે છે, જેથી આ દવા લેનારને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવું લાગે અને ઓછો ખોરાક લે છે.

આ કારણે વધી રહી છે મેદસ્વિતા:

ગયા વર્ષે થયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે વધતી આવક અને શહેરીકરણને કારણે પ્રોસેસ્ડ ફૂડ અને પીણાંનો વપરાશ વધ્યો છે, પરિણામે મેદસ્વિ લોકોની સંખ્યા પણ વધી રહી છે. જાણકારોના માટે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદતો, બેઠાડુ જીવનશૈલી અને અન્ય કેટલાક પર્યાવરણીય પરિબળોને કારણે મેદસ્વિતા ઝડપથી વધી રહી છે, જેની અસર શહેરી અને ગ્રામીણ બંને વસ્તી પર થઇ રહી છે. આ ટ્રેન્ડને કારણે ફાર્માસ્યુટિકલ બજારના ઝડપથી વિકસી રહ્યું છે.

મેદસ્વિતા ઘટાડતી દવાનું બજાર વિસ્તર્યું:

ભારતમાં મેદસ્વિ લોકોની વધી રહેલી સંખ્યાની સાથે, મેદસ્વિતા ઘટાડતી દવાનું બજાર પણ મોટું થઇ રહ્યું છે. અહેવાલ મુજબ 2021 બાદ આવી દવાનું બજાર પાંચ ગણું વધી ગયું છે, ભારતમાં હાલ મેદસ્વિતાની દાવાના બજારનું કદ 6.28 અબજ રૂપિયા છે.

ભારતીય ફાર્મા માર્કેટ અંગે ઓનલાઈન ડેટાબેઝ અને એનાલિટિકલ ટૂલ ફાર્માટ્રેકના ડેટા અનુસાર, ટાઇપ-2 ડાયાબિટીસની સારવાર અને મેદસ્વીતા નિયંત્રિત કરવા માટે વપરાતી દવા મોન્જારોનું ભારતમાં ઝડપથી વેચાણ થઇ રહ્યું છે. માર્ચ 2025 માં આ દવા લોન્ચ કરવામાં આવી હતી, જુનમા ત્રણ મહિના પુરા રૂ. 50ની દવા વેચાઈ ચુકી છે.

અહેવાલ અનુસાર મોન્જારો દવાનાં વેચાણનો દર પણ સતત વધી રહ્યો છે, મે મહિનામાં રૂ.13 કરોડની કિંમતની દાવાનું વેચાણ થયું હતું, જે જૂનમાં વધુને રૂ.26 કરોડ થઇ હતી. માર્ચ અને મે મહિનામાં આ દવાના 81,570 યુનિટ્સનું વેચાણ થયું હતું, જ્યારે ફક્ત જૂન મહિનામાં જ આ દવાનું વેચાણ 87,986 યુનિટ પર પહોંચી ગયું હતું.

વજન ઘટાડવામાં મદદ કરતી GLP-1 દવાઓની વૈશ્વિક માંગમાં ઝડપથી વધારો થયો છે. એક અહેવાલ મુજબ આ શ્રેણીની દવાઓનું વૈશ્વિક બજાર 2030 સુધીમાં આશરે 10,790 અબજ રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે.

આ દવા માધ્યમવર્ગને પરવડે?

અઠવાડિયામાં એક વાર લેવામાં આવતી Wegovy અને Mounjaro દવાઓ લેનારને દર મહીને રૂ.17,000 થી રૂ. 26,000 નો ખર્ચ થાય છે. જેના કારણે ગરીબ અને માધ્યમ વર્ગના ભારતીયોને પોસાય એમ નથી. દસ્વિતા ઘટાડવાની દવાના વેચાણના ટ્રેન્ડને જોઇને સન ફાર્મા, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ, લ્યુપિન અને બાયોકોન જેવી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ મેદસ્વિતા માટે સસ્તી જેનેરિક દવાઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

દવાથી મેદસ્વિતા ઘટવાના દાવા કેટલા સાચા?

કેટલાક અહેવાલો મુજબ કંપનીઓ દ્વારા કરવામાં આવતા દાવાની સામે વાસ્તવિક જીવનમાં દવાઓની અસરકારકતા ઓછી હોય છે. કેટલાક તબીબોના મત મુજબ આ દવા મેદાવિસ્તા અને ડાયાબીટીસ નિયંત્રિત કરવા અસરકારક સાબિત થઇ શકે છે. દવાનો ઉપયોગ સંયમિત આહાર અને કસરત કરવાની સાથે કરવો જોઈએ. આ દવાનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ જ કરવો જોઈએ.

(મુંબઈ સમાચાર ઉપર ઉલ્લેખિત દવાની અસરકારકતા વિશે કોઈ દાવો કરતું નથી, આવી કોઈ પણ દવાનો ઉપયોગ પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button