WEH પર જનારાઓ ખાસ ધ્યાન આપે, જોગેશ્વરી- વિલેપાર્લા વચ્ચે ભારે ટ્રાફિક જામ
મુંબઇઃ મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ થતો હોવાનું કારણ આપવામાં આવે છે, પણ આજે કંઇક અન્ય કારણને લીધે જ WEH (વેસ્ટર્ન એક્સપ્રેસ વે) પર ટ્રાફિક જામ થયેલો જોવા મળ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇ વે પર જોગેશ્વરી અને વિલેપાર્લેની વચ્ચે ટેક્નિકલ સમસ્યાને કારણે એક કાર રસ્તામાં ખોટકાઇ ગઇ હતી, જેને કારણે આખો WEH જામ થઇ ગયો હતો. હાલમાં આ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને કારણે દ. મુંબઇ તરફ આવતા વાહનોને ભારે જામનો સામનો કરવો પડી રહ્યો છે.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર ભારે ટ્રાફિક જામ છે. જેના કારણે ગુજરાત અને મુંબઈ બંને માર્ગો પર ટ્રાફિક જામ થઈ ગયો છે. હાલમાં મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે, જેના કારણે મુંબઈથી ગુજરાત અને ગુજરાતથી મુંબઈ તરફનો ટ્રાફિક ત્રણ કલાક મોડો પડી રહ્યો છે. આ રસ્તા પરના વાહન ચાલકો કહી રહ્યા છે કે આમ પણ WEH પર ભારે ટ્રાફિક જામ હોય છે, પણ આજે તો સામાન્ય કરતા ત્રણ ગણો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : મુંબઈ માટે ‘યલો’ એલર્ટ, મહારાષ્ટ્રના આ 12 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ
મળતી માહિતી મુજબ અછાડ ખાતે ફ્લાયઓવરનું કામ ચાલુ હોવાથી આ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. સિમેન્ટ ટોપીંગના કામના કારણે હાઇવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનો ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યા છે.
ટ્રાફ્ક જામને કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે અને લોકોના કલાકો વેડફાઇ જાય છે.