MVAને તેમની જ ભાષામાં તેમને જવાબ આપીશુંઃ જાણો મહાયુતિની નવી રણનીતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સત્તાધારી પક્ષ મહાયુતિના ત્રણેય પક્ષની સંયુક્ત બેઠક ગુરુવારે મુંબઈ ખાતે યોજવામાં આવી હતી, જેમાં બેઠકોની વહેંચણી વિશે મોટી જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા હતી, પરંતુ હજી સુધી બેઠકોની વહેંચણીનો અંતિમ નિર્ણય લેવામાં ન આવ્યો હોવાનું મહાયુતિના નેતાઓ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે, બેઠકોની વહેંચણી બાબતે જેવા અહેવાલો ફરી રહ્યા છે તેમાં તથ્ય જરાય નથી. અમારામાં કોઇ જ મતભેદ નથી અને અમે લોકો એકસાથે મળીને ચૂંટણી લડીશું, એમ ત્રણેય પક્ષના પ્રતિનિધિઓ પ્રસાદ લાડ, શંભુરાજ દેસાઇ અને આનંદ પરાંજપે દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અહેવાલોને ફગાવતા તેમણે કહ્યું હતું કે અમારામાં બેઠકોની વહેંચણીને લઇને ખેંચતાણ નથી થઇ રહી. અમારું લક્ષ્ય હાલ ત્રણેય પક્ષના કાર્યકર્તાઓમાં સમન્વય રહે અને એકસાથે લડી શકીએ એ માટે સમન્વયકો નિમવાનું હતું અને 288 બેઠકો પર અમે સમન્વયકોની નિમણૂંક કરી છે. આ સમન્વયકો ચૂંટણી માટે એકસાથે મળીને ત્રણેય પક્ષ માટે કામ કરશે.
ઉલ્લેખનીય છે કે આ પત્રકાર પરિષદ દરમિયાન મહારાષ્ટ્રની 288 બેઠકો માટે સમન્વયકોની યાદી પણ બહાર પાડવામાં આવી હતી. આ સમન્વયકોનું કામ ત્રણેય પક્ષના પ્રમુખ જે આદેશ આપે તેની અમલબજાવણી યોગ્ય રીતે થાય, પ્રધાનો, નેતાઓ, કાર્યકર્તાઓમાં અસમંજસ ન ફેલાય, નારાજગી ન ફેલાય અને કોઇ ગેરસમજ ન રહે એ નિશ્ર્ચિત કરવાનું હશે.
તેમની ભાષામાં જ તેમને જવાબ અપાશે
પત્રકાર પરિષદ દરમિયાન મહાયુતિના હાજર પ્રતિનિધિઓએ કહ્યું હતું કે વિપક્ષો દ્વારા ગેરસમજ ફેલાવવી, ખોટો પ્રચાર કરવો, ખોટી અફવા ફેલાવવી જેવી રમત રમવામાં આવે છે તો હવે તેમના વિરુદ્ધ પણ ખોટો પ્રચાર કરીને તેમની જ ભાષામાં જવાબ આપવાનું હવે મહાયુતિએ નક્કી કર્યું છે.
Also Read –