દક્ષિણ મુંબઈમાં બુધવારના ૨૪ કલાક પાણી પુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા ખાતાના દ્વારા ડોકયાર્ડ રોડ પાસે ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની જૂપાઈપલાઈનને બદલીને નવી નાખવામાં આવવાની છે. આ કામ બુધવાર સવારના ૧૦ વાગ્યાથી ગુરુવાર સવારના ૧૦ વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી આ સમયગાળા દરમિયાન દક્ષિણ મુંબઈના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ‘ઈ ’ વોર્ડમાં પાણીપુરવઠામાં રહેલી સમસ્યા દૂર કરવાની લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. તે મુજબ ડૉકયાર્ડ રોડમાં નવા નગરમાં રહેલી જૂની અને જર્જરિત ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને બંધ કરીને તેને ઠેકાણે ૧,૨૦૦ વ્યાસની નવી પાઈપલાઈન ચાલુ કરવામાં આવવાની છે. આ કામ માટે ભંડારવાડા રિઝર્વિયર જનારી જૂની ૧,૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈન પર કામ કરવામાં આવવાનું છે. આ કામ બુધવાર, ૧૭ જાન્યુઆરીના સવારના ૧૦ વાગ્યાથી ચાલુ થશે અને ગુરુવાર, ૧૮ જાન્યુઆરી સવારના ૧૦ વાગ્યા સુધી ચાલશે. આ કામ ૨૪ કલાક ચાલશે.
આ કામ દરમિયાન એ, બી અને ઈ વોર્ડના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો ૨૪ કલાક માટે બંધ રહેશે. તો જે.જે. હૉસ્પિટલ પરિસરમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.