બુધવારથી મુંબઈમાં પાણીપુરવઠો પૂર્વવત થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પિજે પંપિગ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કારણે યંત્રણા હવે પૂર્વવત થઈ ગઈ છે. ત્રણ ટ્રાન્સફોર્મર ચાલુ થઈને તમામ ૨૦ પંપ ચાલુ કરી દેવામાં આવ્યા છે.
મંગળવારે ત્રીજા ટ્રાન્સફોર્મર પર આધારિત પંપ સુદ્ધા પૂર્ણ ક્ષમતાએ ચાલુ કરી દેવામાં આવ્યો છે. તેથી સંપૂર્ણ મુંબઈ શહેર, પશ્ર્ચિમ ઉપનગર, પૂર્વ ઉપનગર તેમ જ થાણે શહેર, ભિવંડીમાં મૂકવામાં આવેલા ૧૫ ટકા પાણીકાપને બુધવાર, છ માર્ચ, ૨૦૨૪થી પાછો ખેંચવામાં આવ્યો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે.
પિસેના વોટર પંપિંગ સ્ટેશનના કેન્દ્રમાં ટ્રાન્સફોર્મરમાં ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ આગ લાગી હતી, તેને કારણે યંત્રણામાં ખામી સર્જાતા મુંબઈમાં ૧૫ ટકા પાણીકાપ લાદી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને તબક્કાવાર ટ્રાન્સફોર્મર અને તેના આધારિત પંપ ચાલુ કરવામાં આવ્યા હતા.
પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ સમારકામ મંગળવાર રોજ પૂરું થઈ જતા પાણીપુરવઠો બુધવારથી પૂર્વવત કરવામાં આવ્યો છે.