મહારાષ્ટ્રના આ પ્રદેશમાં પાણીની અછત, ઉનાળા સુધી ડેમ તળિયા ઝાટક થઈ શકે…
મુંબઈ: દેશ અને મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે ભારે વરસાદ પડ્યો હોવા છતાં રાજ્યના અનેક ભાગમાં નવેમ્બરના અંત સુધી પાણીની અછતની સમસ્યા સર્જાઈ છે. મહારાષ્ટ્રના અનેક ગામોમાં ટેન્કરો વડે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સરકારી રિપોર્ટ મુજબ રાજ્યના લગભગ 2,994 ડેમમાં માત્ર 69.19 ટકા પાણીનો પુરવઠો હોવાની માહિતી મળી છે.
ગયા વર્ષની સરખામણીમાં રાજ્યમાં પાણી પુરવઠામાં 20 ટકાનો ઘટાડો થયો હોવાથી આ વર્ષના ઉનાળા સુધી દુકાળની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આજ સુધીમાં માત્ર 36.26 ટકા જ પાણીનો સંગ્રહ નોંધવામાં આવ્યો હતો, જે રાજ્યમાં સૌથી ઓછો છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના ડેમોમાં પાણીના સંગ્રહ અને અન્ય માહિતી ત્રણ કેટેગરીમાં વિભાજન કરી જાહેર કરી છે. પુરવઠા વિભાગની માહિતી મુજબ ઓક્ટોબર 2023 સુધીમાં રાજ્યના 138 મુખ્ય ડેમમાં 74.51 ટકા પાણીનો સંગ્રહ બાકી રહ્યો છે. આ 138 ડેમની કુલ ક્ષમતા 28098.56 MCM છે અને હાલમાં માત્ર 21659.23 MCM જેટલો પાણી સંગ્રહ રહ્યો છે.
રાજ્ય કેબિનેટમાં રાજ્યમાં અનેક જિલ્લામાં દુકાળ જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમા મરાઠવાડામાં પાણીની અછત અંગે ચર્ચા થઈ હતી. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે વિગતવાર ચર્ચા કરતાં આગળ મહત્વના પગલાં લેવામાં આવશે હોવાનું જાણવા મળ્યું છે. સાથેજ ફડણવીસે ફરી એકવાર જાયકવાડી પ્રોજેક્ટ માટે પણ ચર્ચા કરવાનું જણાવ્યુ હતું.