જળાશયોમાં પાણીનો જથ્થો ૯૯.૧૩ ટકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે મુંબઈને પાણી પુરવઠો કરનારાં સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૧૪,૩૪,૭૯૦ મિલ્યન લિટર પર પહોંચી ગયો છે તેની પાણી સમાવવાની કુલ ક્ષમતાના ૯૯.૧૩ ટકા થઈ ગયો હોવાથી આગામી ચોમાસા સુધી મુંબઈની પાણીની જિરૂરયાતને પહોંચી વળવા માટે પૂરતું છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈની આવતા વર્ષ સુધી પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે.
મુંબઈ મહાનગરપાલિકા દરરોજ સાતેય જળાશયોમાંથી મુંબઈને ૪,૦૦૦ મિલ્યન લિટર પાણી પુરવઠો કરે છે. પાંચ જળાશયો પાલઘરમાં અને નાશિક જિલ્લામાં છે, જ્યારે મુંબઈની અંદર વિહાર અને તુલસી તળાવ આવેલા છે. ૨૭ સપ્ટેમ્બર સુધીમાં જળાશયોમાં પાણીનું સ્તર ૧૪,૪૩,૭૯૦ મિલ્યન લિટર (૯૯.૧૩) થઈ ગયું છે, જેમાં અપર વૈતરણામાં ૯૯.૫૮ ટકા, મોડક સાગર ૯૯.૯૯ ટકા, તાનસા ૯૮.૪૯ ટકા, મિડલ વૈતરણા ૯૯.૪ ટકા, ભાતસા ૯૮.૭૪ ટકા, વિહાર ૧૦૦ ટકા અને તુલસી ૯૯.૫૬ ટકા પાણીનો સ્ટોક છે.
મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે જળાશયોમાં પહેલી ઓક્ટોબરના ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો હોવો આવશ્યક છે. ગયા વર્ષે આજ સમયે જળાશયોમાં ૧૪,૩૮,૩૯૮ મિલ્યન લિટર, ૨૦૨૩માં ૧૪,૪૨,૩૯૪ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો હતો.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષની સરખામણીમાં પાણીનું સ્તર થોડું ઓછું છે પણ હજી ચોમાસાની વિદાયને થોડો સમય છે. મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં ૧૫ ઑક્ટોબર સુધી ચોમાસું લંબાવાની શક્યતા છે. તેથી આગામી દિવસોમાં પાણીની સપાટીમાંં હજી વધારો થશે. હાલમાં પણ પાણીની સપાટી ૯૯.૧૩ ટકા થઈ ગઈ છે. એટલે આગામી ચોમાસા સુધી પાણીકાપનું સંકટ દૂર થઈ ગયું છે.
આ પણ વાંચો…ગુજરાતમાં જળાશયોમાં પાણીની આવક વધી, નર્મદા ડેમ 62.46 ટકા ભરાયો