પાળ પછી પણ પાણી? ચોમાસા પૂર્વે Coastal રોડમાં આવ્યા લીકેજના રિપોર્ટ, પ્રશાસન હરકતમાં

મુંબઈ: પાણી પહેલા પાળ એ કહેવાત આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ પાળ બંધાયા પછી પણ પાણી આવતું હોય તો? મુંબઈના અત્યંત મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડ (Coastal Road) માટે હાલમાં જ નવી તૈયાર કરવામાં આવેલી ટનલમાં હજી ચોમાસું શરૂ નથી થયું ત્યાં જ પાણીનું ગળતર એટલે કે લીકેજ જોવા મળતા ગંભીર ચર્ચા શરૂ થઇ છે. મરીન ડ્રાઇવ બાજુએ ખુલતા ટનલના છેડાના 100 મીટરના અંતરે પાણીનું ગળતર જોવા મળ્યું હતું. આ વાત સામે આવતા જ અમુક નાગરિકોએ સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી તો કેટલાકે ટનલના બાંધકામની ગુણવત્તા પર પ્રશ્ર્ન ઉઠાવ્યા હતા. વિરોધ પક્ષોએ પણ ઉતાવળમાં અને પ્રિ-મોનસૂન ચકાસણી કર્યા વિના ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ બાબતે વાત કરતા કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર ગિરીશ નિકમે જણાવ્યું હતું કે રવિવારે સવારથી અહીં પાણીનું ગળતર શરૂ હોવાનું જણાયું હતું જેનું પ્રમાણ સોમવારે વધી ગયું હતું. આ ગળતર કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ એટલે કે સાંધાઓમાંથી થઇ રહ્યું હોવાની શક્યતા છે. જોકે રાત્રે અગિયાર વાગ્યા સુધી ટ્રાફિક શરૂ હોવાના કારણે અમે ત્યાર પછી જ તપાસ કરી શકશું. અમે જ્યાંથી ગળતર થાય છે તે ભાગોમાં ગ્રાઉટીંગ(ગળતર રોકવા માટે ઉપયોગમાં લેવાતું મિશ્રણ) કરીશું.
પાણીના ગળતરના કારણે ટનલની દિવાલો પર ભીનાશ જોવા મળી હતી અને તેના કારણે દિવાલ પર લગાવવામાં આવેલો રંગ ઉખડી ગયો હતો અને કાળા ડાઘા પડી ગયા હતા. ગળતર થાય છે તે જગ્યાએથી છેક નીચે સુધી પાણી નીતરતું હોવાના કારણે કાળા ડાઘા દિવાલના નીચેના ભાગ સુધી ફેલાયા હતા.
કોસ્ટલ રોડ એકદમ સુરક્ષિત: પાલિકા
પાલિકાના અધિકારીએ જણાવ્યા અનુસાર ગળતર તિરાડા કારણે નહીં પરંતુ એક્પાન્શન જોઇન્ટ્સ(સાંધા) જે દરેક 25 મીટરે આવેલા છે તેના કારણે થઇ રહ્યું છે. જોકે, એક વખત સાંધા મારફત ગ્રાઉટીંગ ઇન્જેક્ટ કર્યા બાદ ગળતર નહીં થાય. આ ટનલનો ઉપયોગ વાહનચાલકો માટે એકદમ સુરક્ષિત છે અને અમે સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છીએ.