બારામતીની સીટ માટે ‘પવાર’ પરિવારમાં જંગઃ ભાજપનું કાવતરું જવાબદાર હોવાનો સુપ્રિયાનો દાવો
બારામતી: લોકસભાની ચૂંટણી વખતે આ વર્ષે મહારાષ્ટ્રના સૌથી મોટા પક્ષોમાં વિભાજન જોવા મળી રહ્યું છે, જે પૈકી બારામતીની સીટ પર પવાર વર્સીસ પવાર છે. એટલે એનસીપીના સ્થાપક શરદ પવારના પુત્રી તેમ જ બારામતી બેઠકના હાલના સાંસદ સુપ્રિયા સુળે વિરુદ્ધ અજિત પવારના પત્ની સુનેત્રા પવારને ઉમેદવાર તરીકે ઊભા કરવામાં આવ્યા છે.
મહાયુતિએ સુનેત્રા પવારને ઉમેદવારી આપતા સુપ્રિયા સુળેએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને ભાભીને પોતાની વિરુદ્ધ ઊભા કરીને ભાજપે કાવતરું રચ્યું હોવાનું જણાવ્યું છે.
તેમણે આ બાબતે પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બારામતી ખાતેથી મને ઉમેદવારી આપવા બદલ હું I.N.D.I.A. બ્લોકનો આભાર વ્યક્ત કરું છું. મારા ભાભીને મારી વિરુદ્ધ ઊભા કરવાનું ભાજપનું કાવતરું છે. પવાર સાહેબને હટાવવા માટે ભાજપ પાસે બીજો કોઇ ઉમેદવાર નથી રહ્યો.
આપણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: બારામતીમાં ત્રિકોણનો ચોથો ખૂણો!!
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે મારા મોટાભાઇના પત્ની છે. મારા ભાભી છે. ભાભી માતા સમાન હોય છે. આ રાજકારણ પવાર કુટુંબ અને મહારાષ્ટ્રની વિરુદ્ધનું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ બારામતીમાં આવીને કહ્યું હતું કે આ લડાઇ વિકાસની નથી, પરંતુ પવારને ખતમ કરવા માટેની છે. આ ઘણા દુ:ખની વાત છે કે ભાજપ આવું ખરાબ રાજકારણ મહારાષ્ટ્રમાં અને અમારા ઘરમાં રમી રહ્યું છે. જે થયું તે થયું, પરંતુ મારી માટે મારા ભાભી હંમેશા મારા માતાના સ્થાને જ રહેશે.
ઉલ્લેખનીય છે કે બારામતી બેઠક તે શરદ પવારનો ગઢ મનાય છે અને હાલ તેમના પુત્રી સુપ્રિયા સુળે અહીંના સાંસદ છે. જોકે, શરદ પવારના ભત્રીજા અજિત પવારે તેમની સાથે છેડો ફાડ્યો ત્યારબાદ અહીંથી પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી આપવામાં આવી છે. જેના કારણે ભાભી અને નણંદ વચ્ચે બારામતીની બેઠકનો જંગ જામશે અને આ જંગમાં કોણ વિજયી પુરવાર થાય છે તેના ઉપર બધાની નજર છે.