અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા છે? મુંબઈથી પણ મળશે ડાયરેક્ટ ફ્લાઇટ!
મુંબઈ: કરોડો રામભક્તો પોતાના વ્હાલા રામ લલ્લાના દર્શન સહેલાઇથી કરી શકે તેના માટે સરકાર પ્રયત્નશીલ છે અને આ જ પ્રયત્નના ભાગરૂપે સરકારે અયોધ્યા માટે નવા 8 ઍર રૂટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
નવા ઍર રૂટ્સના કારણે હવે મુંબઈ અને પટણા સહિત આઠ શહેરથી અયોધ્યા માટેની ડાયરેક્ટ ફ્લાઇટ મળી રહેશે. એટલે કે ભગવાન શ્રી રામના દર્શન હવે ભાવિકો અત્યંત સરળતાથી કરી શકશે. મળી રહેલી વિગતો અનુસાર પહેલી ફેબ્રુઆરીથી નવા રૂટ્સ શરૂ કરવામાં આવી શકે.
પહેલી ફેબ્રઆરીથી ભારતનું ઉડ્ડયન મંત્રાલય દ્વારા મુંબઈ, ચેન્નઇ, દિલ્હી, અમદાવાદ, પટના, જયપુર, દરભંગા અને બેંગલૂરુથી અયોધ્યા સુધીના નવા ઍર રૂટ્સ શરૂ કરશે. આ નવી વિમાન સેવાઓનું ઉદ્ઘાટન ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવશે અને સ્પાઇસ જેટ આ નવા રૂટ્સ પર પોતાની સેવાઓ આપશે.
ઉલ્લેખનીય છે કે ઍર ઇન્ડિયાએ હાલમાં જ બેંગલૂરુ અને કોલકતાને અયોધ્યાથી જોડતી વિમાન સેવાઓની જાહેરાત કરી હતી અને 17 જાન્યુઆરીથી આ સેવાઓ શરૂ પણ કરવામાં આવી હતી. શ્રી રામના ભવ્ય મંદિરના ઉદ્ઘાટન અને શ્રી રામના વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે અયોધ્યા એક ધાર્મિક ધામ-તીર્થ સ્થળ તો બન્યું જ છે, પણ તેની સાથે સાથે હવે અયોધ્યાને એક ભવ્ય પર્યટન સ્થળ બનાવવાની પણ તડામાર તૈયારીઓ થઇ રહી છે.
આ યોજના અંતર્ગત અયોધ્યામાં નવા ઍરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. 30 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં શ્રદ્ધાળુઓની આવનારી સંખ્યાને ધ્યાનમાં લઇને 350 કરોડ રૂપિયાના ખર્ચે આ ઍરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રયાસોથી અયોધ્યાને ટોચનું પર્યટન કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય સરકારનું છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ અયોધ્યાને ભવ્ય તીર્થ પર્યટન કેન્દ્ર બનાવવાનો ઉલ્લેખ અનેક વખત કર્યો છે. 12 જાન્યુઆરીએ વિશ્ર્વ યુવા દિને તેમણે કહ્યું હતું કે ભવિષ્માં અયોધ્યાને વિશ્ર્વના પર્યટન સ્થળોની હરોળમાં સૌથી ટોચનું સ્થાન મળે એ રીતે અયોધ્યાનો પર્યટન સ્થળના રૂપમાં વિકાસ કરવામાં આવશે અને વિશ્ર્વમાં તે સૌથી ભવ્ય અને વિકસિત પર્યટન સ્થળના રૂપે ઊભરીને આવશે.