આમચી મુંબઈ

વડાલાની બેઠક ભાજપ ગુમાવશે?: ત્રણ ગુજરાતી મહિલાઓનો ત્રિપાંખીયો જંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મધ્ય મુંબઈમાં આ વખતે વડાલાની બેઠક પર ત્રણ ગુજરાતી મહિલાઓ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. આ બેઠક પર ભાજપ અને મનસેએ ગુજરાતી મહિલાને ટિકિટ આપી છે, તો ભાજપમાંથી ટિકિટ નહીં મળતા બળવો કરી ભૂતપૂર્વ ગુજરાતી નગરસેવિકાએ પણ અપક્ષ રીતે ચૂંટણી લડવાનાં છે. આ ત્રિપાંખીય જંગમાં જોકે ભાજપને નુકસાન થવાનો ડર અંદરખાને સતાવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૭૭માં મહિલા ઉમેદવાર માટે અનામત છે. ૨૦૧૭માં આ બેઠક પરથી ભાજપના નેહલ શાહ નગરસેવિકા તરીકે ચૂંટાયા હતા. જોકે આ વખતે પક્ષે તેમનું પત્તું કાપીને કલ્પેશા જેસલ કોઠારીને ટિકિટ આપી છે. ભાજપના આ પગલાથી નારાજ થઈ ગયેલાં નેહલ શાહે મંગળવારે ઉમેદવારી દાખલ કરવાના છેલ્લા દિવસે અપક્ષ રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

ભાજપનાં ઉમેદવાર કલ્પેશા જેસલ કોઠારીને ટિકિટ આપવામાં મુલુંડના વિધાનસભ્ય અને ભાજપ પ્રદેશની કાર્યકરણીમાં ઉચ્ચ હોદ્દો સંભાળતા નેતાનો હાથ હોવાનું કહેવાય છે. જેસલના પતિ વિધાનસભ્યના નજીકના માણસ હોવાનું કહેવાય છે અને તેમણે જ પક્ષના સિનિયર નેતાઓ પર દબાણ લાવીને કલ્પેશાને ટિકિટ અપાવી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાય છે.
ભાજપના આ પગલાથી જોકે ભાજપમાંથી ટિકિટ નહીં મળતા બળવો કરીને ભૂતપૂર્વ નગરસેવિકા નેહલ શાહે અપક્ષ તરીકે ઝુકાવ્યું હતું. તેમણે સોશ્યલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે તેઓ પક્ષના સિનિયર નેતાઓને માન આપે છે અને હજી પણ પક્ષ સાથે જોડાયેલાં છે પણ તેમણે છેલ્લાં નવ વર્ષમાં વોર્ડમાં ભારે મહેનત કરી છે અને તેઓ પક્ષમાંથી ઉમેદવારી માટે લાયક સભ્ય હતાં. છતાં તેમના કામની અવગણના કરવામાં આવી હોવાથી તેઓ પોતાના મતદારો માટે અપક્ષ રીતે ચૂંટણી લડવાનાં છે.

ભાજપના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર સામે મહારાષ્ટ નવનિર્માણ સેનાના એક માત્ર ગુજરાતી ઉમેદવાર હેમાલી પરેશ ભણસાલીને ટિકિટ આપી હોવાથી આ બેઠક પર જોરદાર ટક્કર જોવા મળવાની છે. વડાલા મતદાર ક્ષેત્રમાં ગુજરાતી મતદારોની સાથે જ મરાઠીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોવાથી ગુજરાતીઓની સાથે જ મરાઠી માણુસના મત પણ મનસેના ઉમેદવારને મળી શકે છે.

તેથી વડાલા બેઠક પર ભાજપના જોર સામે ભૂતપૂર્વ નગરસેવિકાનું છેલ્લાં નવ વર્ષ દરમ્યાન કરેલા કામ કે પછી મરાઠી માણસોની સહાનુભૂતિ જીતે છે તે હવે ૧૫ જાન્યુઆરી,૨૦૨૬ના મતદારો કોના નામ પર ઠપ્પો મારે છે તેના પર આધાર રાખે છે. જોકે એટલું ચોક્કસ છે કે આ બેઠક પર ભાજપનો અતિવિશ્ર્વાસ તેમને નુકસાન કરી શકે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button