વડાલામાં બેસ્ટની બસે અડફેટમાં લેતાં માતા-પુત્રનાં મોત

મુંબઈ: વડાલા વિસ્તારમાં બેસ્ટની બસે અડફેટમાં લેતાં 38 વર્ષની મહિલા અને તેના આઠ વર્ષના પુત્રનાં મોત થયાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર વડાલા ચર્ચ બસસ્ટોપ નજીક સોમવારે બપોરના 3.10 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા માતા-પુત્રની ઓળખ લિઓબા સેલ્વરાજ અને આઠ વર્ષના એન્થોની સેલ્વરાજ તરીકે થઇ હતી.
બેસ્ટની લીઝ પર લીધેલી રૂટ નંબર એ-174 પરની બસ બપોરે વીર કોતવાલ ઉદ્યાનથી ભારાની નાકા તરફ જઇ રહી હતી. ત્યારે વડાલા ચર્ચ બસસ્ટોપ નજીક પગપાળા જનારી લિઓબા સેલ્વરાજ અને તેના પુત્રને બસે અડફેટમાં લીધાં હતાં.
અકસ્માતમાં લિઓબાને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે તેના પુત્ર એન્થોનીના માથા પરથી બસનું ટાયર ફરી વળતાં તે પણ ગંભીર રીતે ઘવાયો હતો.
આ પણ વાંચો: મલબાર હિલમાં બેસ્ટની ઇલેક્ટ્રિક બસે અડફેટમાં લેતાં ગુજરાતી વૃદ્ધાનું મૃત્યુ…
લિઓબાને સાયન હોસ્પિટલમાં, જ્યારે એન્થોનીને કે.ઇ.એમ. હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં એન્થોનીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે લિઓબાનું સારવાર દરમિયાન બપોરે 4.25 વાગ્યે મૃત્યુ થયું હતું. આ અકસ્માતને પગલે પોલીસે બસ ડ્રાઇવર બાપુરાવ નાગબોને વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.