આર્થિક વિવાદમાં સસરાએ કુહાડીના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી…

પાલઘર: ઉછીનાં લીધેલાં નાણાં પાછાં ન આપનારા જમાઈની કુહાડીના ઘા ઝીંકી કથિત હત્યા કરવા બદલ પોલીસે 75 વર્ષના સસરા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
વાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દત્તાત્રણ કિંદ્રેએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે વાડા પરિસરમાં બની હતી. 42 વર્ષના મૃતકે નોકરી અપાવવાની લાલચે અનેક લોકો પાસેથી નાણાં પડાવ્યાં હતાં. જોકે બાદમાં લોકોને નોકરી તો મળી નહોતી, પણ નાણાં પણ પાછાં મળ્યાં નહોતાં.
જમાઈએ તેના સસરા પાસેથી પણ ઉછીનાં નાણાં લીધાં હતાં, જે તે પાછાં ચૂકવતો નહોતો. આ વાતને લઈ સસરા-જમાઈ વચ્ચે છેલ્લા બે મહિનાથી વારંવાર ઝઘડા થતા હતા. સોમવારે રાતે આરોપી જમાઈના ઘરે ગયો હતો. રૂપિયાને મુદ્દે તેમની વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવી આરોપીએ કુહાડીથી જમાઈ પર હુમલો કર્યો હતો.
હુમલામાં જમાઈનું મૃત્યુ થતાં આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે મૃતકના સગાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી. (પીટીઆઈ)
આપણ વાંચો : ગૂણી પરના માર્કની મદદથી મહિલાનો હત્યા કેસ ઉકેલાયો: ત્રણની ધરપકડ