વોટર્સ રજિસ્ટ્રેશનઃ મહારાષ્ટ્રમાં 6 દિવસમાં 1.84 લાખ મતદાર નોંધાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ત્યાર બાદ નવા મતદારોએ પોતાનું નામ નોંધાવવાની શરૂઆત થઇ ગઇ છે. નાગરિકોમાં મતદાનને લઇને વધુ જાગરૂકતા ફેલાઇ રહી હોવાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં ફક્ત 6 દિવસની અંદર રાજ્યમાં 1.84 લાખ નવા મતદારોએ નોંધણી કરી હોવાનું ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ ઉપરથી જણાઇ રહ્યું છે. 17 માર્ચથી બાવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં કુલ 1,84,841 મતદારોએ નોંધણી કરાવી હોવાનું મહારાષ્ટ્ર ચૂંટણી પંચના પ્રમુખ એસ.ચોકલિંગમે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ હતી. અત્યાર સુધી કેટલા ઉમેદવારોએ કઇ કઇ બેઠકો ઉપરથી ઉમેદવારી પત્રક ભર્યું તેની માહિતી પણ રાજ્ય ચૂંટણી પંચના પ્રમુખ ચોકલિંગમે આપી હતી. 28 તારીખે ઉમેદવારી પત્રોનું નિરીક્ષણ કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીક 30 માર્ચ રહેશે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં રામટેક – 1, નાગપુર – 5, ભંડારા-ગોંદિયા – 2, ગઢચિરોલી-ચિમુર – 2 અને ચંદ્રપુરમાંથી એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં નવા મતદારની સંખ્યામાં વધારો થયો છે, તેનાથી ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરી શકે એવી શક્યતા રહેશે. મહારાષ્ટ્રમાં 48 મતદારવિસ્તાર પૈકી પાંચ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજવામાં આવશે.