પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ સુવિધા
બ્રેઇલ લિપીમાં મતદાર માહિતી પત્ર તૈયાર કરી અપાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી એ લોકશાહીનો પર્વ ગણાય છે અને આ પર્વમાં તમામ નાગરિકોને સમાન અધિકાર અને સમાન ફરજ હોય છે. મતદાન કરવું એ ફક્ત અધિકાર જ નથી, પરંતુ ફરજ પણ છે અને દિવ્યાંગ હોય કે પ્રજ્ઞાચક્ષુ, દરેક નાગરિકોને આ ફરજ બજાવવામાં કોઇ અડચણ ન થાય એ માટે ચૂંટણી પંચે પણ કમર કસી છે. પોલિંગ બૂથ એટલે કે મતદાન કેન્દ્રો ઉપર દિવ્યાંગો માટે ખાસ સુવિધા, ઘરેથી મતદાન કરવાની સુવિધા બાદ હવે ચૂંટણી પંચ દ્વારા પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંખેથી જોઇ ન શકતા નાગરિકો માટે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે.
પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ખાસ બ્રેઇલ લિપીમાં મતદાર માહિતી પત્ર તૈયાર કરવામાં આવશે જેથી તેમને પોતાનું મતદાન કેન્દ્ર, નામ, સરનામું વગેરેની માહિતી મળી શકે. આ સિવાય ઓડિયો બુક પણ પ્રજ્ઞાચક્ષુ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ઇન્ડિયાના સહકારથી આ મતદાર માહિતી પત્ર તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત મતદાન અંગેના તમામ દસ્તાવેજ પણ બ્રેઇલ લિપીમાં છાપવામાં આવશે. નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ઇન્ડિયા દ્વારા આ માટે અધિકારી પણ નીમવામાં આવ્યા છે, જે ચૂંટણી પંચ સાથે મળીને તમામ કાર્યવાહી પાર પાડશે.
પ્રજ્ઞાચક્ષુ મતદારોને ‘બ્રેઇલ વોટર ઇન્ફોર્મેશન સ્લિપ’ બહાર પાડવામાં આવશે, તેમ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.ચોકલિંગમે જણાવ્યું હતું.
રાજ્યમાં 1,16,518 પ્રજ્ઞાચક્ષુ મતદારો
રાજ્યમાં દિવ્યાંગ મતદારોના આંકડા આ પૂર્વે બહાર પાડવામાં આવ્યા હતા. જોકે, પ્રજ્ઞાચક્ષુ મતદારો અંગેના આંકડા હાલમાં જ બહાર પાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ 1,16,518 પ્રજ્ઞાચક્ષુ મતદારો હોવાનું એસ.ચોકલિંગમે જણાવ્યું હતું.
ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ વયના નાગરિકો માટે પણ 12-ડી કાયદા અંતર્ગત તેમને ગૃહ મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અત્યાર સુધી 5,453 દિવ્યાંગ મતદારોએ 12-ડી અંતર્ગત ગૃહ મતદાન માટે અરજી કરી હોવાનું ચોકલિંગમે જણાવ્યું હતું.