ગોખલે પુલ અને બરફીવાલા પુલને જોડવા વીજેટીઆઈની સલાહ લેવાશે
પુલના બીજા તબક્કાના કામ સાથે બરફીવાલા પુલ સાથે જોડવાનું કામ હાથ ધરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા ગોપાલકૃષ્ણ ગોખલે પુલ અને સી.ડી.બરફીવાલા પુલને જોડવું ટેક્નિકલી મુશ્કેલ બની ગયું છે. બંને પુલ વચ્ચે રહેલા અંતરને કારણે જોડવામાં આવ્યો તો ઍક્સિડન્ટ થવાની ભારોભાર શક્યતા છે.
ત્યારે ગોખલે પુલની ઊંચાઈ રેલવે પુલને ધોરણને કારણે વધારાવામાં આવી હોવાથી તે પુલ ઊંચો થઈ ગયો છે એવી સ્પષ્ટતા મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે વીજેટીઆઈની સલાહ લેવાશે તેમની સલાહ બાદ ગોખલે પુલના બીજા તબક્કાના કામમાં બરફીવાલા પુલને જોડવાના કામનો સમાવેશ કરાશે એવી સ્પષ્ટતા પણ પાલિકાએ કરી છે.
ગોખલે પુલની એક બાજુ ચાલુ થઈ છે છતાં આ પુલને જૂના બરફીવાલા પુલ સાથે કેવી રીતે જોડવો એ પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટ માટે મોટી સમસ્યા બની ગઈ છે. અંધેરી (પશ્ર્ચિમ) દિશામાં રહેલા બરફીવાલા પુલ અને ગોખલે પુલની સપાટી નવા બાંધકામને કારણે ઉપર-નીચે જતા પાલિકા પ્રશાસનને સ્પષ્ટતા કરવી પડી છે.
બંને પુલની સપાટી સમતળ કરવા માટે વીજેટીઆઈના નિષ્ણાતોની મદદ લેવામાં આવવાની છે. વીજેટીઆઈના નિષ્ણાતોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ બંને પુલ જોડવા માટે કઈ પદ્ધતિ વાપરવી તેના પર ચર્ચા પણ કરવામાં આવી હોવાનું પાલિકા પ્રશાસને કહ્યું હતું. ગોખલે પુલની હાલ એક જ બાજુ ચાલુ કરવામાં આવી છે અને હવે પુલની બીજી બાજુ ચાલુ કરવા માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની મુદત આપવામાં આવી છે ત્યારે જ આ બંને પુલને જોડવાનું કામ કરવામાં આવશે એવું આશ્ર્વાસન પણ પ્રશાસને આપ્યું છે.
ગોખલે પુલ અને બરફીવાલ પુલ વચ્ચે ૨.૫ મીટર સુધીનું અંતર થઈ ગયું છે અને પાલિકાના આવા વિચિત્ર કારભારની ભારે ટીકા થઈ રહી છે ત્યારે પાલિકા પ્રશાસને પોતાની ભૂલને ઢાંકતા બધો દોષ રેલવે પ્રશાસન પર ઢોળીને એવી સ્પષ્ટતા આપી છે કે રેલવે પાટા પરથી જનારા તમામ પુલની ઊંચાઈ વધારવાનો નિર્ણય રેલવેએ લીધો હતો.
તે મુજબ રેલવે પાટા પર નવેસરથી બાંધવામાં આવતા પુલોની ઊંચાઈ વધારવામાં આવી છે. જૂનો ગોખલે પુલ એ લગભગ ૫.૭ મીટર ઊંચાઈ પર હતો અને હવે આ પુલ ૮.૪ મીટર ઊંચાઈ પર છે. તેથી આ પુલની ઊંચાઈ હવે ૨.૭ મીટરથી વધી હોવાથી બે પુલ વચ્ચેનું અંતર વધી ગયું હોવાનું પાલિકાનું કહેવું છે.
પાલિકાના કહેવા મુજબ અંગ્રેજીના વાય અક્ષરના આકારના રહેલા બરફીવાલા પુલ અને નવા ગોખલે પૂલ વચ્ચે લગભગ દોઢ મીટરનું અંતર છે. આ અંતર હટાવવા માટે બે પુલમાં જો ઉતાર બાંધવામાં આવ્યો તો તે અત્યંત આકરો ઉતાર હશે અને તેને કારણે ઍક્સિડન્ટ થવાની શક્યતા છે. આ ઉતાર ટેક્નિકલી શક્ય ન હોવાનું નિષ્ણાતોનું કહેવું હોવાનું પણ પ્રશાસનનો દાવો છે.