વિશ્વાસ નાંગરે-પાટીલ પુણેના નવા કમિશનર?: શિંદે જૂથના પદાધિકારીના સ્ટેટસે ચર્ચા જગાવી
પુણે: મહારાષ્ટ્ર પોલીસ દળના આઈપીએસ અધિકારી વિશ્વાસ નાંગરે-પાટીલ ફરી ચર્ચામાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના પદાધિકારીના વ્હૉટ્સઍપ સ્ટેટસને કારણે વિશ્વાસ નાંગરે-પાટીલની નિયુક્તિ પુણેના કમિશનર પદે થવાની હોવાની ચર્ચાએ પુણેમાં જોર પકડ્યું છે.
નાંગરે-પાટીલ પુણેના નવા પોલીસ કમિશનર બનશે, એવો વિશ્વાસ શિંદે જૂથના પદાધિકારીઓને છે, કારણ કે એક પદાધિકારીએ ગૃહ મંત્રાલયના આદેશ પહેલાં જ આ અંગેનું સ્ટેટસ મૂક્યું હોવાનું સામે આવ્યું છે.
‘બૉસ લવકરચ પુણ્યાત?’ એવા લખાણ સાથે આ પદાધિકારીએ નાંગરે-પાટીલનો ફોટો સ્ટેટસ પર મૂક્યો છે. આ સ્ટેટસની પુણેના રહેવાસીઓ સહિત રાજ્યના આઈપીએસ અને વરિષ્ઠ અધિકારીઓમાં ચર્ચા ચાલી રહી છે.
જોકે ગૃહ મંત્રાલયના આદેશ પહેલાં જ વરિષ્ઠ અધિકારીઓની બદલી અંગે કાર્યકરોને જાણકારી કઈ રીતે મળી જાય છે, એવો પ્રશ્ર્ન ઊભો થયો છે. વિશ્વાસ નાંગરે-પાટીલ અત્યારે એન્ટી કરપ્શન બ્યૂરોના એડિશનલ ડીજી તરીકે ફરજ બજાવે છે.
બીજી બાજુ, પુણેના પોલીસ કમિશનર રિતેશ કુમારનો કાર્યકાળ હજુ પૂરો થયો નથી. જોકે બેથી ત્રણ મહિનામાં રિતેશ કુમારનું પ્રમોશન થવાનું છે. પરિણામે પુણેની જવાબદારી કોને સોંપવામાં આવશે એ ચર્ચાએ જોર પકડ્યું છે.