વિરારમાં સૂટકેસમાંથી માથું મળવાનો કેસ ઉકેલાયો: પતિની ધરપકડ
કૌટુંબિક કંકાસથી કંટાળી પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કર્યા પછી માથું વાઢી નાખ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરારમાં સૂટકેસમાંથી મહિલાનું માથું મળી આવ્યા પછી પોલીસે જ્વેલરી શૉપના એક પાઉચ પરથી 24 કલાકમાં કેસ ઉકેલી મહિલાના પતિની ધરપકડ કરી હતી. કૌટુંબિક કંકાસથી કંટાળીને પતિએ ગળું દબાવી પત્નીની હત્યા કર્યા પછી માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. ધડ બીજી સૂટકેસમાં ભરી અન્ય ઠેકાણે ફેંક્યું હોવાની કબૂલાત આરોપીએ કરી હતી.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ હરીશ બરવરાજ હિપ્પરગી (49) તરીકે થઈ હતી. કર્ણાટકનો વતની હરીશ હાલમાં નાલાસોપારા પૂર્વના રેહમત નગરમાં રહે છે અને ઈમિટેશન જ્વેલરીનો વ્યવસાય ધરાવે છે.
પોલીસના જણાવ્યા મુજબ વિરારના પિરકુંડા દર્ગા નજીકના જંગલ પરિસરમાંથી ગુરુવારની સાંજે છ વાગ્યાની આસપાસ એક સૂટકેસ મળી આવી હતી. સૂટકેસમાં પ્લાસ્ટિકની ગૂણીમાં બાંધેલું મહિલાનું કોહવાયેલું માથું મળી આવ્યું હતું. આ પ્રકરણે માંડવી પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
આ પણ વાંચો: થાણેમાં હત્યાના ત્રણ કેસ ઉકેલાયા: ત્રણ આરોપીની ધરપકડ…
તપાસ દરમિયાન પોલીસને સૂટકેસ નજીકથી એક જ્વેલર્સનું પાઉચ મળી આવ્યું હતું. પોલીસે સંબંધિત જ્વેલર્સના ગ્રાહકો અંગે પૂછપરછ કરતાં મુંબઈમાં રહેતી મહિલાની માહિતી મળી હતી. મહિલા જ્યાં રહેતી હતી ત્યાં પોલીસની ટીમ પહોંચી ત્યારે જાણવા મળ્યું હતું કે દંપતીએ રહેઠાણ બદલી નાખ્યું હતું. જોકે ત્યાંથી પોલીસને મહિલના પશ્ર્ચિમ બંગાળમાં રહેતા સગાનો સંપર્ક નંબર મળ્યો હતો, જેને આધારે મહિલાની ઓળખ ઉત્પલા (51) તરીકે થઈ હતી.
સિનિયર ઈન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ જણાવ્યું હતું કે મહિલાએ બીજાં લગ્ન હરીશ સાથે કર્યાં હતાં અને તેમને બાવીસ વર્ષનો પુત્ર પણ છે. પુત્રના પિતા તરીકે પહેલા પતિનું નામ લગાવવાની જીદ મહિલા કરતી હતી. આ વાતને લઈ દંપતી વચ્ચે વિવાદ ચાલતો હતો. વર્ષો વીતી ગયા છતાં પુત્રના નામના કોઈ સરકારી દસ્તાવેજો બનાવવામાં ન આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: ગુજરાતના તથ્ય પટેલ જેવો કેસ બિહારમાંઃ જાનમાં નાચતાગાતા 9 ને કચડી નાખ્યા…
દરમિયાન દંપતી વચ્ચે વારંવાર થતા ઝઘડાનો અંત આઠમી જાન્યુઆરીની રાતે આવ્યો હતો. હરીશે ગળું દબાવીને ઉત્પલાની હત્યા કરી હતી. પછી તીક્ષ્ણ હથિયારથી તેનું માથું ધડથી અલગ કર્યું હતું. માથું સૂટકેસમાં ભરી જંગલ પરિસરમાં ફેંક્યું હતું. નિર્જન વિસ્તારમાં કોઈ જતું ન હોવાથી આટલા દિવસ ઘટના પ્રકાશમાં આવી નહોતી.
ગુરુવારે ભંગારવાળો ભંગાર વીણવાને ઇરાદે જંગલમાં ગયો ત્યારે સૂટકેસ મળી આવી હતી. આરોપીએ મહિલાનું ધડ બીજી સૂટકેસમાં ભરી નાળામાં ફેંક્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસ નાળામાં ધડની શોધ ચલાવી રહી છે.