વિરારમાં યુવાનની હત્યાના કેસમાં ફરાર આરોપી નવ વર્ષે પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરારમાં પોલીસ ફરિયાદ થતી રોકવા માટે લોખંડના સળિયા અને બામ્બુથી હુમલો કરી યુવાનની કથિત હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નવ વર્ષે થાણેમાં પકડી પાડ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સોનુ અચ્છેલાલ ગુપ્તા (35) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને વિરાર પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 30 ઑક્ટોબર, 2016ના રોજ વિરારમાં બની હતી. આરોપી ગુપ્તાનો સાથી રતન ઝા એક યુવકની મારપીટ કરતો હોવાથી મૃતક સોનુ પરશુરામ ઝાના ભાઈએ મધ્યસ્થી કરી હતી. મધ્યસ્થી કરવા બદલ રતન અને ગુપ્તાએ તેના સાથીઓ સાથે મળી ઝાના ભાઈની મારપીટ કરી હતી.
આ પણ વાંચો: ભાજપ શાસિત રાજ્યમાં 18 વર્ષની લેડી ટીચરની ગળું કાપીને હત્યા, સરકારે લીધાં શું પગલાં ?
મારપીટની ફરિયાદ નોંધાવવા બન્ને ભાઈ પોલીસ સ્ટેશને જઈ રહ્યા હોવાની જાણ થતાં આરોપી ગુસ્સા ભરાયા હતા. લોખંડના સળિયા અને બામ્બુથી હુમલો કરવામાં આવતાં બન્ને ભાઈ જખમી થયા હતા. ગંભીર જખમી સોનુ ઝાનું સારવાર દરમિયાન 16 નવેમ્બર, 2016ના રોજ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ પ્રકરણે વિરાર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
હુમલો કરનારો ગુપ્તા ગુનો નોંધાતાં જ ફરાર થઈ ગયો હતો. તાજેતરમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવાનો આદેશ વરિષ્ઠ અધિકારીએ આપતાં ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ ગુપ્તાની શોધ હાથ ધરી હતી. લગભગ પાંચ મહિનાની મહેનત પછી ગુપ્તાની ભાળ મળી હતી.