ઓટો ડ્રાઈવરે યુવકને માર માર્યો, વીડિયો વાયરલ થયા પછી ઓથોરિટીએ લીધા આક્રમક પગલાં

મુંબઈઃ મુંબઈમાં એક ઓટો ડ્રાઈવરનો મુસાફરને થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. હવે આ ઓટો ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે તેનું પરમિટ રદ કરવામાં આવશે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. ડ્રાઈવરે યુવકને અંધેરી રેલ્વે સ્ટેશન નજીક ઓટોમાંથી ઉતારીને તેને થપ્પડો મારી હતી. આ બધું ત્યાંથી પસાર થતા લોકોની સામે બન્યું હતું, જેમાંથી એકે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે મુસાફર ડ્રાઈવરના પગ સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ ડ્રાઈવર તેના પર કોઈ દયા બતાવતો નથી અને તેને માર મારવાનું ચાલુ રાખે છે. સોશિયલ મીડિયા પર લોકો આ ડ્રાઇવર સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા અને તેની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા.
અંધેરી આરટીઓએ એક મુસાફર સાથે ગેરવર્તણૂક કરનાર ઓટો-રિક્ષા ચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે. ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે એક યુવાન મુસાફરને વારંવાર થપ્પડ મારતો જોવા મળ્યો હતો. આરટીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. આરટીઓના મતે, ડ્રાઇવરનું આ વર્તન બિલકુલ ખોટું છે. તેમને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે અને મોટર વાહન અધિનિયમ હેઠળ ચલાન પણ જારી કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાડાને લઈને ડ્રાઈવર અને મુસાફર વચ્ચે ઝઘડો થયો હતો. ડીએન નગર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. દરમિયાન, અંધેરી આરટીઓએ ડ્રાઇવરને નોટિસ ફટકારી ઓટો પણ જપ્ત કરી છે.
આ પણ વાંચો…જંગલના રાજા સાથે ચેનચાળા: વીડિયો વાયરલ થતા સુરક્ષા મુદ્દે સવાલ