પરભણીમાં હિંસાઃ ધરપકડ કરાયેલી વ્યક્તિનું મૃત્યુ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાણો
મુંબઈ: દસમી ડિસેમ્બરે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની કાચથી બંધ પ્રતિકૃતિને તોડફોડ કર્યા પછી પરભણીમાં હિંસા ફેલાઈ હતી. આ હિંસાના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવેલી 35 વર્ષની વ્યક્તિનું મૃત્યુ સંખ્યાબંધ ઇજાઓને કારણે થવાની સંભાવના આજે રજૂ કરવામાં આવેલા પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈથી આશરે 530 કિલોમીટર દૂર પરભણીના શંકર નગરના રહેવાસી સોમનાથ વેંકટ સૂર્યવંશી હિંસાના સંબંધમાં ધરપકડ કરાયેલા 50થી વધુ વ્યક્તિઓમાં સામેલ હતા. પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 6:49 વાગ્યે સરકારી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: પરભણીમાં તોડફોડ-હિંસા: ત્રણ કેસ, ૫૧ જણની ધરપકડ
જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા સૂર્યવંશીને છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ બાદ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એ પરભણી જિલ્લા મધ્યસ્થ જેલમાં બંધ હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં છ ડૉક્ટરોની પેનલ દ્વારા ઇન-કેમેરા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વધુ દસ્તાવેજો મળ્યા બાદ અભિપ્રાય આપવામાં આવશે અને તપાસ અધિકારીને અગાઉના તબીબી દસ્તાવેજો, જો કોઈ હોય તો તે રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
રાજ્યભરમાં આંબેડકરવાદી સંગઠનો દ્વારા મૃત્યુ પામેલી વ્યક્તિને ન્યાય અપાવવા અને પોલીસ સામે કાર્યવાહીની માંગ સાથે કરવામાં આવેલા વિરોધ વચ્ચે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.
મુંબઈ-થાણેમાં દલિત સંગઠનોનો વિરોધ
પરભણી જિલ્લામાં ૧૦ ડિસેમ્બરની હિંસાના સંબંધમાં ધરપકડ કરાયેલા એક વ્યક્તિના મૃત્યુ સામે આજે મુંબઈના ઘાટકોપર-થાણે સહિત અન્ય વિસ્તારોમાં સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
સોમનાથ વેંકટ સૂર્યવંશી (૩૩)એ પચાસથી વધુ લોકોમાં સામેલ હતા, જેમની હિંસાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ પરભણી જિલ્લા સેન્ટ્રલ જેલમાં તે બંધ હતો ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રવિવારે સવારે તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
પીપલ્સ રિપબ્લિકન પાર્ટીના નેતા રાજાભાઈ ચવ્હાણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે પરભણીના પોલીસ અધિક્ષક અને વરિષ્ઠ નિરીક્ષકને બરતરફ કરીને સૂર્યવંશીને ન્યાય આપવો જોઈએ. તે કુદરતી રીતે મૃત્યુ પામ્યો નથી. પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેમનો પક્ષ અને સમાન વિચારધારા ધરાવતા સંગઠનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
(પીટીઆઈ)