ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન: ત્રણ દિવસમાં 290 ઈ-બાઈક્સ જપ્ત
મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ ઈ-બાઈક ચલાવનારાઓ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી ટ્રાફિક પોલીસે 290 ઈ-બાઈક્સ જ્પ્ત કરી હતી.
ઈ-બાઈક ચલાવનારા, ખાસ કરીને ડિલિવરી બૉય્સ દ્વારા ઈ-બાઈક બેફામ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ટ્રાફિક પોલીસને મળી હતી. પરિણામે આવી બાઈક્સ સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક વિભાગે 9થી 11 ઑગસ્ટ દરમિયાન ત્રણ દિવસ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પાસેથી ટ્રાફિક પોલીસે ‘આ’ રીતે વસૂલ્યો 17 કરોડનો દંડ
મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં વધારાના ટ્રાફિક પોલીસ ગોઠવી આવી બાઈક્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં 1,176 ઈ-બાઈક સામે કાર્યવાહી કરી તેના ચાલકો પાસેથી 1.63 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ 221 ઈ-બાઈક સવારો સામે ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા, જ્યારે 290 બાઈક્સ જપ્ત કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વિરુદ્ધ દિશામાં બાઈક ચલાવનારા 272, સિગ્નલ જમ્પ કરનારા 491, નો-એન્ટીમાં બાઈક ચલાવનારા 252 અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 161 બાઈકસવાર સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.