નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આચારસંહિતાનો ભંગ
ગુનો નોંધીને પ્રધાનપદેથી હકાલપટ્ટી કરવાની કૉંગ્રેસની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવા છતાં ભાજપના નેતા, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદનો દુરુપયોગ કરીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તેમની સામે ગુનો નોંધીને તેમની ગૃહ પ્રધાન પદેથી હકાલપટ્ટી કરવી એવી માગણી કૉંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર મોકલીને કરવામાં આવેલી ફરિયાદમાં કૉંગ્રેસના રાજ્યના મુખ્ય પ્રવક્તા અતુલ લોંઢેએ કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આયોજિત બેઠકમાં સોલાપુર લોકસભા મતદારસંઘના ભાજપના ઉમેદવાર રામ સાતપુતેએ ફડણવીસને ફોન કરીને એક સમાજના કેટલાક લોકો વિરુદ્ધ કોરોનાકાળમાં દાખલ કરવામાં આવેલા ગુના પાછા ખેંચી લેવાની વિનંતી કરી હતી. ફડણવીસે પણ ગુના પાછા ખેંચી લઈશું તેમાં કોઈ વાંધો નથી એમ કહ્યું હતું.
આ પણ વાંચો : શિવાજી પાર્કમાં જામશે ભાઇ-ભાઇ વચ્ચે રાજકીય જંગ?
ચૂંટણીના સમયમાં આવી રીતે પ્રલોભન આપવું, આશ્ર્વાસન આપવું તે આચારસંહિતાનો ભંગ છે. સુપ્રીમ કોર્ટે આપેલી માર્ગદર્શક સૂચનાને આધારે રાજ્ય સરકારની સમિતિની ભલામણ વગર આવા પ્રકારના ગુના પાછા ખેંચી શકાય નહીં, તેમ છતાં જે રીતે આશ્ર્વાસન અને પ્રલોભન આપીને મતદારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ સમાજના લોકો સામેના ગુના કેમ પાછા લેવામાં ન આવ્યા? અત્યારે ચૂંટણી વખતે જ ગુનાની યાદ કેમ આવી? ફડણવીસ ગુના પાછા લેવાનું આશ્ર્વાસન આપવા માટે ચૂંઠણીની રાહ જોઈ રહ્યા હતા? એવા સવાલો તેમણે ઉપસ્થિત કર્યા હતા.
આ પણ વાંચો : કલ્યાણ બેઠકનું કોકડું ઉકેલાયું: શિંદે જૂથને બેઠક ફાળવાય તેવી શક્યતા
તેમણે એવી માગણી કરી હતી કે ફડણવીસને ગૃહ પ્રધાનના પદેથી તત્કાળ દૂર કરવા અને સોલાપુરના ભાજપના ઉમેદવાર રામ સાતપુતેની ઉમેદવારી રદ કરવામાં આવવી જોઈએ.