વિક્રોલીમાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં સાડીથી ગળાફાંસો ખાધો

મુંબઈ: વિક્રોલીમાં 56 વર્ષના પોલીસ કોન્સ્ટેબલે રવિવારે સવારે પોતાના નિવાસસ્થાને સાડીથી ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કોન્સ્ટેબલની ઓળખ શંકર ભિકાજી સોલસે તરીકે થઇ હોઇ તે વિક્રોલીના પાર્કસાઇટ વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો.
વિક્રોલી ટ્રાફિક વિભાગમાં કાર્યરત શંકર સોલસે શનિવારે રાતે ઘરમાં સૂઇ રહ્યો હતો, એમ તેની પત્ની રંજનાએ પોલીસને જણાવ્યું હતું. રંજના રવિવારે સવારે 8.30 વાગ્યે જાગી ત્યારે શંકર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
તેણે ઘરમાં લોખંડની સીડી સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાધો હતો. શંકરને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી.
આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હોઇ શંકરે ભરેલા અંતિમ પગલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)