
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં હની ટ્રેપનું પ્રકરણ છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં છે ત્યારે આ કેસ સંદર્ભે રાજ્ય વિધાનસભામાં કૉંગ્રેસના જૂથ નેતા વિજય વડેટ્ટીવારે એવા ગંભીર આરોપ કર્યા હતા કે આ કેસમાં પ્રફુલ લોઢાના નામની ચર્ચા થઈ રહી છે. આ કેસમાં ઘણા લોકો સંડોવાયેલા છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, ભલે તેઓ કોઈપણ પક્ષ સાથે સંકળાયેલા હોય. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે લોઢાએ લોકોના વિડીયો બનાવીને 200 કરોડ રૂપિયા ભેગા કર્યા છે.
હની ટ્રેપનું ખૂબ મોટું રેકેટ છે. તેમાં ઘણી બધી મોટી માછલીઓ સંડોવાયેલી છે. લગભગ 50 જેટલા પ્રધાનો અને અધિકારીઓ તેમાં સંડોવાયેલા છે. રાજકારણમાં ઘણા સિનિયર અધિકારીઓ, પ્રધાનો અને ભૂતપૂર્વ પ્રધાનો હની ટ્રેપમાં સંડોવાયેલા છે. આ બધા માટે જેમનું નામ સામે આવ્યું છે તે લોઢા છે, જેણે ઘણા લોકો પાસેથી પૈસા લીધા છે. તેમણે ઓછામાં ઓછા 200 કરોડ ભેગા કર્યા છે, એવો આરોપ વિજય વડેટ્ટીવારે લગાવ્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે ‘હું કહીશ નહીં કે તે કોનો કાર્યકર છે. પરંતુ આ બધી બાબત ટૂંક સમયમાં જાહેર થશે.’ વિજય વડેટ્ટીવારે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ‘જે ચહેરા છુપાયેલા છે તેમને ખુલ્લા પાડવામાં આવશે.’
આ પણ વાંચો: પાકિસ્તાનના ડ્રોનને રોકવા માટે 15 લાખ રૂપિયાની મિસાઇલોનો ઉપયોગ કેમ કર્યોે?: વિજય વડેટ્ટીવાર
અહીં ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતા નાના પટોલેએ વિધાનસભાના ફ્લોર પર એવો આરોપ લગાવ્યો હતો કે મંત્રાલય, નાશિક અને થાણે હનીટ્રેપના સેન્ટર બની ગયા છે. આ સંદર્ભમાં ગૃહમાં પેન ડ્રાઇવ પણ બતાવવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષે સરકારને હનીટ્રેપ મુદ્દે નિવેદન આપવા કહ્યું હતું, પરંતુ તેમના સૂચન પછી પણ સરકારે તેના પર કોઈ નિવેદન આપ્યું ન હતું. ન તો હની છે કે ન તો ટ્રેપ એવું નિવેદન આપીને ફડણવીસે આ આરોપોની મજાક ઉડાવી હતી.
હવે, વિજય વડેટ્ટીવારે ફરી એકવાર આ જ બાબતનો ઉલ્લેખ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે મોટી માછલીઓ હનીટ્રેપમાં ફસાઈ ગઈ છે.
જો આ સરકારમાં થોડી પણ શરમ હોય, તો માણિકરાવ કોકાટે સામે કાર્યવાહી કરવી જોઈએ. જે માણસ ખેડૂતો અને સરકારને ભિખારી કહે છે અને વિધાનસભામાં રમી રમે છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. અમે માગણી કરીએ છીએ કે માણિકરાવ કોકાટેને એક મિનિટ માટે પણ તેમના પર પર ન રાખવા જોઈએ, એવી માગણી વિજય વડેટ્ટીવારે કરી હતી.