વિજય વડેટ્ટીવારના સૂર કેમ બદલાયા, ફડણવીસ માટે શું કહ્યું?
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિનો ધ્વજ લહેરાયો છે અને ગઠબંધનને 288 બેઠકમાંથી 239 બેઠક મળી છે. મહાવિકાસ આઘાડી (એમવીએ) ધૂળ ચાટતું થયું છે. રાજ્યમાં મહાયુતિના સીએમ કોણ એનું સસ્પેન્સ હજુ સુધી ખતમ નથી થયું. જોકે દેવેન્દ્ર ફડણવીસનું નામ નિશ્ચિત મનાય છે. બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે અચાનક દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા રાજકીય વર્તુળમાં અનેકના ભવાં ચડ્યાં છે.
આ પણ વાંચો : ઝવેરીની દુકાનમાં લૂંટ અને હુમલો: થાણે એમસીઓસીએ કોર્ટે 16 જણને નિર્દોષ છોડ્યા
દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે એ અંગે રાજીપો વ્યક્ત કરી વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે વિદર્ભ માટે આ આનંદના સમાચાર છે. વિદર્ભના બાકી રહેલા કામ ફડણવીસ પૂરા કરશે. હવે તેમને ખૂંધિયા લોકોની જરૂર નથી. ઉલટાનું ખૂંધિયાઓને તેમની જરૂર છે. ઈચ્છા મુજબ કામ કરતા તેમને કોઈ નહીં રોકી શકે.
ફડણવીસ વિદર્ભના પુત્ર છે અને એટલે અપેક્ષા છે કે તેઓ વિદર્ભને પૂરતો ન્યાય આપશે. ફડણવીસ પાસે બીજી અપેક્ષા એ છે કે તેઓ બદલો લેવાની કે મુખ્ય પ્રધાન બન્યા પછી તેઓ બદલાની રાજનીતિ નહીં કરે. તેઓ લોકપ્રિય મુખ્ય પ્રધાન બનશે એવું અમારું માનવું છે.’ વિજય વડેટ્ટીવારએ દેવેન્દ્ર ફડણવીસની કરેલી પ્રશંસાએ રાજકીય વર્તુળોમાં ઘણાના ભવાં ચડાવ્યાં છે.
આ પણ વાંચો : 70 ગુનામાં સંડોવાયેલી ટોળકી પકડાઇ: રૂ. 50.10 લાખની મતા જપ્ત
દરમિયાન ચૂંટણીમાં કોંગ્રેસના કંગાળ દેખાવ બાદ રાજ્ય પ્રમુખ નાના પટોલે વિશે અનેક અટકળો વહેતી થઈ હતી. આ સંદર્ભે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્ર કોંગ્રેસમાં નાના પટોલે હટાઓ જેવું કોઈ અભિયાન નથી. એની જરૂર પણ નથી. જો કોઈ એવી કોશિશ કરી રહ્યું હોય તો હું એમાં સહભાગી નથી. હા, કારમાં પરાજય પછી મનોમંથન કરવાની જરૂર છે. માત્ર મિટિંગો કરતા રહેવાથી કશું નહીં વળે.