જાણીતા દિગ્ગજ એક્ટરનું થયું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં…
જાણીતા કોમેડી એક્ટર વિજય કદમ (Vijay Kadam)નું લાંબી માંદગી બાદ આજે નિધન થયું હતું. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લાં દોઢ વર્ષથી વિજય કેન્સર સામે લડાઈ રહ્યા હતા અને આજે સવારે તેમનું નિધન થયું હતું. વિજય કદમે અનેક ફિલ્મોની સાથે સાથે જ નાટકો અને સિરીયલ્સમાં કામ કર્યું હતું. તેમણે પોતાના અભિયનથી લોકોના દિલો પર રાજ કર્યું હતું.
વિજય કદમના નિધનને કારણે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આકાશમાંથી ધ્રુવતારો ખરી પડ્યો છે. વિજય કદમના નિધનના સમાચાર જ્યેષ્ઠ ફિલ્મ સમીક્ષક દિલીપ ઠાકુરે ફેન્સ સાથે શેર કર્યા હતા. મુંબઈના અંધેરી ખાતે તેમના પાર્થિવ દેહ પર અંતિમસંસ્કાર કરવામાં આવશે.
વાત કરીએ વિજય કદમના ફિલ્મી કરિયરની તો તેમણે ટુરટુર, સહી દે સહી, વિચ્છા માઝી પૂરી કરા, પપ્પા સાંગા કુણાચે જેવા જાણીતા નાટકોમાં કામ કર્યું છે અને સિવાય તેમણે અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પ્રેક્ષકોને પોતાના અભિનયથી ખડખડાટ હસાવનાર વિજય કદમ આજે તેમના ફેન્સને રડતાં મૂકીને અનંતની યાત્રાએ ઉપડી ગયા છે.
કોમેડી રોલ કરવા માટે જાણીતા વિજય કદમે અનેક નાના-મોટા સિરીયસ રોલ્સ પણ કર્યા છે જેમાં આનંદી આનંદ, તેરે મેરે સપને, દેખણી બાયકો નમ્યાચી, રેવતી, ટોપી ઘાલા રે, બ્લફ માસ્ટર, ભેટ તૂઝી માઝી અને મંકી બાત જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.