તુલસી બાદ વિહાર પણ છલકાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે શનિવારે મુંબઈમાં નેશનલ પાર્કમાં આવેલું તુલસી છલકાયા બાદ સોમવારે બપોરના વિહાર પણ છલકાઈ ગયું હતું.
મુંબઈને પાણી પુરવઠો કરનારા સાત જળાશયોમાંનું એક વિહાર સોમવાર, ૧૮ ઑગસ્ટ,૨૦૨૫ના બપોરના ૨.૪૫ વાગે મુંબઈમાં થયેલી અતિવૃષ્ટિને પગલે છલકાઈ ગયું હતું.
તુલસી છલકાઈ ગયા બાદ તેનું પાણી વિહારમાં આવતું હોય છે, તેથી શનિવારે તુલસી છલકાયા બાદ તેનું પાણી વિહારમાં આવવાની સાથે જ સતત પડી રહેલા વરસાદને પગલે વિહાર છલકાઈ ગયું હોવાનું પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું.
આપણ વાંચો: મુસળધાર વરસાદને પગલે તાનસા જળાશય છલકાયું…
ચાલુ વર્ષે ચોમાસામાં મુંબઈને પાણીપુરવઠો કરનારા સાત જળાશયમાંથી અત્યાર સુધી છ જળાશયો છલકાઈ ગયા છે. છેલ્લા થોડા દિવસથી જળાશયોના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને પગલે તેની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો હોવાનો દાવો પાણી પુરવઠા વિભાગે કર્યો હતો.
સોમવારે બપોરના છલકાઈ ગયેલા વિહારની તળાવની પાણી સમાવવાની ક્ષમતા ૨,૭૬૯.૮ કરોડ લિટર (૨૭,૬૯૮ મિલ્યિન લિટર)ન્ી છે. ગયા વર્ષે આ તળાવ ૨૫ જુલાઈ, ૨૦૨૪ના મધરાતે ૩.૫૦ વાગે છલકાયું હતું. ૨૦૨૩ની સાલમાં ૨૬ જુલાઈના રાતના ૧૨.૪૮ વાગે, ૨૦૨૨માં ૧૧ ઑગસ્ટ અને ૨૦૨૧માં ૧૮ જુલાઈના છલકાઈ ગયું હતું.